- સોમવારે આંદોલનકારી મેધા પાટકરે આપ્યું હતું નિવેદન
- ડેમમાંથી પાણી લીક થતું હોવાથી સરકારે પાણી ઘટાડવા કહ્યું છે
- ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલ દ્વારા કરાયો ખુલાસો, ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત
ન્યૂઝ ડેસ્ક: નર્મદા બચાવો આંદોલનના અગ્રણી મેધા પાટકરે સોમવારના રોજ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે નિવેદન આપ્યું હતું કે, ' સરદાર સરોવર ડેમમાંથી પાણી લીક થતું હોવાથી ડેમના સ્ટ્રક્ચરને નુક્સાન પહોંચી રહ્યું છે. જેને લઈને ગુજરાત સરકારે નર્મદા નિગમને જળાશયમાં પાણીનું સ્તર ઘટાડવા માટે વિનંતી કરી છે.' મેધા પાટકરના આ નિવેદન બાદ ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલ (DSRP) દ્વારા ખુલાસો કરીને નિવેદનને પાયાવિહોણુ ગણાવ્યું હતું.
શું છે ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલ?
ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલ (DSRP) એ સેન્ટ્રલ વોટર કમિશન અંતર્ગત કામ કરતી પેનલ છે. જે ડેમ એન્જિનિયરીંગ, હાઈડ્રોલોજી, મેકેનિકલ એન્જિનિયરીંગ, જીઓલોજી, સિસમોલોજી અને ઈન્સ્ટ્રુમેન્ટેશનને લઈને કાર્ય કરે છે. પેનલના ચેરમેન એ. બી. પંડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડેમની ઉપલી સપાટીના મેઈન્ટેનન્સ માટે તાજેતરમાં DSRP દ્વારા જ ગુજરાત સરકારને જળાશયમાં પાણીનું સ્તર ઘટાડવા માટે ભલામણ કરવામાં આવી હતી.
ડેમનાં સ્ટ્રક્ચરમાં લીકેજ એ સામાન્ય બાબત
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી લીક થઈ રહ્યું હોવાના મેધા પાટકરનો દાવો તદ્દન પાયાવિહોણો છે. કોંક્રિટમાંથી તૈયાર કરાયેલ ડેમના સ્ટ્રક્ચરમાંથી લીકેજ એ સામાન્ય બાબત છે. માનવ સર્જિત તમામ સ્ટ્રક્ચરમાં સમયાંતરે મેઈન્ટેનન્સની જરૂર પડતી હોય છે. હાલમાં ડેમમાંથી થઈ રહેલું લીકેજ એ ભયજનક માપથી ઘણું ઓછું છે.
સેન્ટ્રલ વોટર કમિશનના સેફ્ટી સ્ટેન્ડર્ડ્સ અનુસાર ડેમ તદ્દન સુરક્ષિત
DSRPના ચેરમેન એ. બી. પંડ્યાએ કહ્યું હતું કે, DSRP દ્વારા 21 જુલાઈ 2021ના રોજ ડેમની મુલાકાત લેવામાં આવી હતી. જ્યારબાદ ડેમમાં મેઈન્ટેનન્સની જરૂરિયાત જણાતા સરકાર દ્વારા પાણીની સપાટી ઘટાડવા માટે ભલામણ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સેન્ટ્રલ વોટર કમિશનના ડેમ સેફ્ટી સ્ટેન્ડર્ડ્સ અનુસાર સરદાર સરોવર ડેમ સુરક્ષિત છે.