- સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ક્રૂઝ બોટની થશે શરૂઆત
- 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ
- આ ક્રૂઝ બોટમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકશે
નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ક્રૂઝ બોટની શરૂઆત થશે. 21 માર્ચના રોજ આ ક્રૂઝ બોટનું લોકર્પણ થવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે બપોર 3 વાગે આવી પહોંચશે અને પહેલા જંગલ સફારીનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બનેલા ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન મોદી લોકાર્પણ કર્યા બાદ ત્યાંથી બોટમાં બેસીને શ્રેષ્ઠ ભારતભવન ખાતે બીજી જેટી બનાવવામાં આવી છે ત્યાં જશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની આ સફર 6 કિલોમીટરની રહેશે. જે રીતે વારાણસીમાં ગંગા નદીમાં વડાપ્રધાને બોટ સેવા શરૂ કરી હતી, તે જ રીતે અહીં નર્મદા નદીમાં પણ શરૂ કરવામાં આવશે, જેના માટે 3 જેટી બનાવવામાં આવી છે. એક જેટી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સામે જયારે બીજી જેટી શ્રેષ્ઠ ભારત ભવન પાસે અને ત્રીજી જેટી સ્ટેચ્યૂની બિલકુલ પાછળ જે ઇમર્જન્સી જેટી છે.
ક્રૂઝ બોટનું નામ એકતા ક્રૂઝ આપવામાં આવ્યું
આ ક્રુઝ બોટનું નામ એકતા ક્રૂઝ આપવામાં આવ્યું છે. આ ક્રૂઝ બોટમાં આમ તો 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. પરંતું હાલ કોરોનાના નિયમોને પગલે માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. આ બોટમાં નાસ્તાની પણ વ્યસ્થા કરવામાં આવી છે. જે પ્રવાસીઓએ પોતાના ખર્ચે કરવાનો રહેશે. મનોરંજન માટેની પણ વ્યવસ્થા બોટમાં કરવામાં આવી છે.
પ્રવાસીઓ માટે ક્રૂઝ બોટમાં આ સુવિધા હશે...
- આ ક્રુઝ બોટમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકશે
- ક્રૂઝ બોટ 6 કી.મી. ફેરવવામાં આવશે
- ગરુડેશ્વરથી સ્ટેચ્યબ ઓફ યુનિટી સુધીનો પ્રવાસીઓ માટે 45 મિનિટનો ફેરો રહશે
- ક્રૂઝ બોટમાંં સ્ટેટ પર આદિવાસી નૃત્ય સાથે ડાન્સ અને ગીત સંગીતની પણ સુવિધા હશે
- ક્રૂઝ બોટનું ભાડું રૂપિયા 430 રૂપિયા રાખવામાં આવ્યું
- ક્રૂઝ બોટમાં જમવાનું અને નાસ્તાની સુવિધા પણ રહશે