- BTP અને ભાજપનાં રાજકારણમાં આવ્યો ગરમાવો
- BTP એ AIMIM સાથે ગઠબંધન કરતાં રાજકીય ભૂકંપ
- નરેન્દ્ર મોદી પર પણ થયા પ્રહાર
નર્મદા : સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ ભરૂચ, નર્મદા જિલ્લા BTP અને ભાજપનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપનાં સાંસદ મનસુખ વસાવા અને BTPના છોટુ વસાવા દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. હાલ BTP એ AIMIM સાથે ગઠબંધન કરતાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ ઓવૈસી અને છોટુ વસાવાને પાગલ છે, તેમ કહીને BTP પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે BTPના છોટુ વસાવાએ તો મનસુખ વસાવા પર સ્લોગન બનાવી પ્રહાર કર્યા હતા. છોટુ વસાવાએ જણાવ્યું કે, મનસુખભાઈ જ એક દુઃખ છે, મનસુખએ સુખ નથી. નર્મદા અને ભરૂચનું એ દુઃખ છે એનું નામ જ મનસુખ છે તેમજ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપે ભરતી મેળો ચાલુ કર્યો છે. બેરોજગારોની ભરતી થતી નથી, પણ રાજકીય બેરોજગારોની ભરતી શરૂ કરી છે. જે રીતે રાજ થવું જોઈએ એ રીતે થતું નથી.
ભાજપ પર કર્યા પ્રહારો
ખેડૂત આંદોલન અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, આજે કિસાનોના આંદોલનના 80 દિવસ થવા આવ્યા પણ સરકાર ઉકેલ લાવતી નથી. છોટુ વસાવાએ પણ નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે, એટલે એનો નિકાલ થતો નથી અને આ આંદોલનનો નિકાલ નહીં આવે તો રાજકારણમાં વિસ્ફોટ થશે. જે રીતે ભારતમાં કોંગ્રેસની જે હાલત થઇ છે, એ જ હાલત ભાજપની પણ થવાની છે. કારણ કે ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને પોતાના પક્ષમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. કારણ કે ભાજપનું માનવું છે કે, કોઈ વિરોધ પક્ષ રહેવો ન જોઈએ.