નર્મદાઃ જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવી ત્યાર બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. હાલ સમગ્ર દેશમાં જયારે લોકડાઉન છે. ત્યારે જંગલ સફારી પાર્ક પણ હાલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. આ પ્રાણીઓ ઠંડા પ્રદેશના હોવાથી હાલ અસહ્ય ગરમીના કારણે અહીં પ્રાણીઓને તકલીફ ના પડે તે માટે એરકુલર અને એસીની વ્યવસ્થા કરવામાં આવી છે.
જયારે આઇવરીમાં પક્ષીઓ માટે ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી અત્યારે જે ગરમીનો માહોલ છે. તેમાં ઠંડા પ્રદેશના પક્ષી અને પ્રાણીઓનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે. જયારે વાઘ, સિંહ અને દીપડા માટે પાણીના હોજ પણ બનાવાયા છે. આ સફારી પાર્કમાં અલગ અલગ 1,500 જેટલા પ્રાણીઓ અને પક્ષીઓ લાવવામાં આવ્યા છે. જેમાં ઑસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા દેશોમાંથી પણ પ્રાણીઓ અહીં લાવવામાં આવ્યા છે.
કોરોનાની મહામારીને નાથવા કેંદ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ કેટલીક છૂટછાટને આધીન હવે લોકડાઉન 4 નો અમલ શરૂ થઇ ગયો છે. પરંતુ આ અમલવારીમાં પણ હજી પ્રવાસન સ્થળ અને પ્રાણીસંગ્રહાલયો શરૂ કરવાની પરવાનગી નથી. પરંતુ પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓની કાળજી લેવી પણ અતયંત જરુરી છે.
હાલ કોરોના વાયરસની ઈફેક્ટ સમગ્ર દેશમાં છે. ત્યારે, જંગલ સફારી પાર્કમાં પણ પ્રાણીઓની મેડિકલ તપાસ રેગ્યુલર કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિદેશથી જે પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેમ કે, અલ્પાકા લાંબા, ઇમુ, ઓસ્ટ્રેલિયન કાંગારું અને એક્ઝોટિક તથા આઇવરીમાં જે પક્ષીઓ છે તેમનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે.