નર્મદા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સાથે સાથે ગરમીના રક્ષણ માટે માથે ટોપી અને પગમાં પગરખા હોય તો રાહત મળે છે. જેને લઇને ઘણાં સેવાભાવીઓે પાણીની પરબ ખોલતાં હોય છે, પરંતુ ઊનાળાના તાપથી બચાવવા પગરખાંની પરબ જોવી હોય તો માંગરોળ જવું પડે. આવી પગરખાંની પરબ ખોલનારનું નામ છે મહેન્દ્રભાઈ પ્રજાપતિ
હવે ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને આ ઉનાળાના તાપના કારણે અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું શિક્ષણ ના બગડે તેની તેઓ કાળજી રાખી રહ્યાં છે. નર્મદાના નાનકડા ગામ માંગરોળના વામન કદના વિરાટ માનવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ પગરખાંની પરબ ચલાવે છે. નર્મદા જિલ્લાના એવા કેટલાય વિસ્તાર છે જ્યાં ઉનાળાની આકરી ગરમી સહન કરવાની ફરજ પડે છે, નર્મદાના અંતરિયાળ વિસ્તારની કે જ્યાં હજી પણ શાળાએ જતાં બાળકોના પગમાં પગરખા નથી તેથી શાળાએ જતાં નથી. ત્યારે આ બાળકોનું શિક્ષણ માત્ર પગ દાઝવાથી ન બગડે તે હેતુથી પાંચ વર્ષથી મહેન્દ્રભાઈ પ્રજાપતિ શાળાએ જતાં બાળકોને પગરખાં પહેરાવી તાપથી રક્ષણ આપી ભણતાં કરે છે.
આ ઉનાળાની શરૂઆતમાં તેઓએ નર્મદાના અંતરિયાળ ડેડીયાપાડા તાલુકાના નાનીબેડવાણ પ્રાથમિક શાળાના 250 કુમાર તથા કન્યાઓને પગરખાં પહેરાવી વર્ષની પગરખાંની પરબ શરૂ કરી છે. હવે તેઓ જિલ્લાની અન્ય આશ્રમશાળાઓ અને શાળાઓમાં જઈને બાળકોને જાતે જ પગરખાં પહેરાવશે. અંતરિયાળ ગામડાઓમાં તેઓ બાળકોને પગરખાં પહેરાવી સંતોષ માની રહ્યાં છે. તેમના દ્વારા પહેરાવવામાં આવતાં પગરખાંથી બાળકોના ચહેરા પરનો આનંદ એ જ મહેન્દ્રભાઈ માટે પરમ સંતોષનું માધ્યમ છે. મહેન્દ્રભાઈ કોઇ લખપતિ નથી તેઓ પોતાનું ગુજરાન સામાન્ય કરિયાણાંની નાની દુકાન ચલાવીને કરે છે. આમ છતાં તેમના દિલની દરિયાદિલીથી આવું પુણ્યનું ભાથું બાંધે છે. વળી પાણીની પરબમાં તો તરસ્યો પરબ પાસે જાય છે. જયારે આ પગરખાંની પરબ તો તરસ્યાં એવા માનવી પાસે જાતે જાય છે અને પગરખાંની ઠંડક આપે છે જે સરાહનીય છે.