- મોહન ડેલકરનો મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન
- હજારોની સંખ્યામાં જનમેદનીએ આપી શ્રદ્ધાંજલિ
- અંતિમયાત્રા સમયે સંઘપ્રદેશના લોકોએ સજ્જડ બંધ પાળ્યો
સેલવાસ: મંગળવારે દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી હતી. મોહનભાઈએ સોમવારે મુંબઈની હોટેલમાં આપઘાત કર્યો હતો. જે બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શોકનું મોજું પ્રસર્યું હતું. મંગળવારે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સહિત જનમેદની ઉમટી હતી. ડેલકરના પાર્થિવ દેહને સાંજે પંચમહાભૂતમાં વિલીન થયો હતો. દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત બાદ દાદરા નગર હવેલીમાં લોકોએ સ્વંયભૂં બંધ પાડી અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. મુંબઈથી સોમવારે મોડી રાત્રે ડેલકરના પાર્થિવ દેહને સેલવાસમાં તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારે તેમના પરિવારના સભ્યોમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો. મંગળવારે 10:00 વાગ્યે મોહનભાઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આદિવાસી ભવનમાં લાવવામાં આવ્યો હતો.
તમામ મુખ્ય માર્ગો ચાહકોથી ઉભરાયા
આદિવાસી ભવનમાં હજારોની જનમેદની ડેલકરના અંતિમ દર્શન માટે ઉમટી પડી હતી. આદિવાસી ભવનના તમામ મુખ્ય માર્ગો મોહનભાઈના ચાહકોથી ઉભરાયા હતાં. હજારોની સંખ્યામાં આવેલા પ્રદેશવાસીઓએ અશ્રુભીની આંખે અંતિમ દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. જે બાદ મોહનભાઈના પાર્થિવ દેહની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પુત્ર અભિનવે પિતાને અગ્નિસંસ્કાર આપી પંચમહાભૂતમાં વિલીન કર્યા
બાલદેવીમાં મોહનભાઈને રાજકીય શિષ્ટાચાર મુજબ પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી. જે બાદ પુત્ર અભિનવે પિતાને અગ્નિસંસ્કાર આપી પંચમહાભૂતમાં વિલીન કર્યા હતાં. તે સમયે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ હતી. ઉપસ્થિત જનમેદનીએ અશ્રુભીની આંખે દાદરા નગર હવેલીના અડીખમ નેતા એવા મોહન ડેલકરના અંતિમ સંસ્કાર વખતે અંતિમ દર્શન કરી પ્રભુ તેમની આત્માને શાંતિ આપે, તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
આત્મહત્યા અંગે જવાબદાર વ્યક્તિઓ સામે તટસ્થ તપાસની માંગ
મોહન ડેલકરે સોમવારે મુંબઇની હોટેલમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેમણે 6 પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમની આત્મહત્યા અંગે 40 જેટલા લોકોના નામો લખ્યા હોવાનું અને તે અંગે વધુ તપાસ ચાલી રહી હોવાનું મુંબઈ પોલીસે જાહેર કર્યું છે. જ્યારે તેમના આપઘાત અંગે જવાબદાર વ્યક્તિઓ સામે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર તટસ્થ તપાસ કરે તેવી માંગ મોહન ડેલકરના પરિવારે અને પુત્રએ કરી છે. ત્યારે આગામી દિવસોમાં આ અંગે ચોક્કસ તપાસ બાદ જ મોહનભાઈની આત્મહત્યાનું રહસ્ય જનતાની સામે આવશે.