મોરબીઃ હાલ કોરોનાના હાહાકારને પગલે મોરબીમાં વિકસેલા વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગને પણ ચોક્કસ અસર થઇ રહી છે. કારણકે, સિરામિક ઉદ્યોગમાં ખરીદી અર્થે બહારના રાજ્યોમાંથી આવતા વેપારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે, તેમજ મોરબીથી બહાર જતા પણ વેપારીઓ ભય અનુભવે છે. જેથી ડોમેસ્ટિક માર્કેટ પ્રભાવિત થયું છે અને ૧૫થી ૨૦ ટકા જેવો માર્કેટમાં ઘટાડો થવા પામ્યો છે.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં દેશના વિવિધ રાજ્યોમાં શ્રમિકો પણ કામ કરે છે. જોકે આ શ્રમિકો અહી ગુજરાતમાં જ વસે છે અને ગુજરાતમાં હજુ સલામતીનું વાતાવરણ છે. જેથી શ્રમિકો બાબતે ઉદ્યોગને કોઈ અસર થઇ ના હોવાનું સિરામિક એસોસિએશન પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવી રહ્યા છે. તે ઉપરાંત ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને માસ્ક, સેનેટાઈઝરના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ ઉકાળા વિતરણ શરૂ કરી દેવાયું છે.
આ સિવાય લોકો એકબીજાને ઓછા મળે, જાહેર મેળાવડા કે ઉદ્યોગની મીટીંગમાં જવાનું પણ ટાળીને સલામતીના પગલા લઇ રહ્યા છે. તેમજ મોરબીની ફેક્ટરીઓમાં રીટેલ માર્કેટ બંધ કરવાનું અભિયાન પણ કેટલીક ફેક્ટરી દ્વારા શરૂ કરાયું છે. જેથી લોકો એકત્ર ના થાય અને કોરોનાને ફેલાતો અટકાવી શકાય.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલ્સ ચીનથી આયાત કરવામાં આવતા હોવાથી જેની સપ્લાય ચાલુ થઇ હોવાથી હાલ ઉદ્યોગને કોઈ માઠી અસર થવા પામી નથી અને નજીકના સમયમાં રો મટીરીયલ્સના અભાવે ઉત્પાદન બંધ કરવું પડે તેવી કોઈ સ્થિતિ જોવા મળી રહી નહીં હોવાનું એસોસિએશન પ્રમુખ જણાવી રહ્યા છે. વિશ્વમાં સિરામિક ઉત્પાદન કરતા ઇટલી, સ્પેન, ચીન, ઈરાન અને ભારતમાંથી ભારતને બાદ કરતા બાકી ચાર દેશોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેથી હાલના તબક્કે મોરબીના સિરામિક ઉદ્યોગને ભવિષ્યમાં એક્સપોર્ટમાં લાભ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે.