- મોરબીમાં સ્નેહમિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલાયું
- ધારાસભ્ય અને અધિકારી-પદાધિકારીની ઉપસ્થિતિમાં નિયમો ભુલ્યા
- સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં શહેરમાં ખળભળાટ
- જિલ્લા પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ
મોરબીઃ શહેરમાં અધિકારી-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે ઉત્સવો પર પ્રતિબંધ છે અને માસ્ક ના પહેરનારા તેમજ સોશિયલ ડિસટન્સનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે મોરબીમાં સંસ્થાના સ્નેહમિલન કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત હતા અને નિયમોનો ભંગ થયો છતાં કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા સવાલો ચર્ચાઇ રહ્યા છે.
સેવાભાવી સંસ્થાના સ્નેહમિલનમાં કોરોનાના નિયમોનો ભંગ
મોરબીમાં સેવાભાવી સંસ્થાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બર્થડે પાર્ટીમાં ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજે ગીતો ગાયા હતા. જેના તાલે લોકો ઝૂમ્યા હતા. જોકે મહેમાનોએ માસ્ક પહેર્યા ના હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ જોવા મળ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો સવાલ ઉઠાવી રહયા છે, ત્યારે સંસ્થા અગ્રણી દિનેશભાઈ ગઢવીએ જણાવ્યુ હતું કે, સોશિયલ એક્ટિવીટી ગ્રુપ ચાલે છે, જે સંસ્થાએ સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હતો અને સોશિયલ ડિસટન્સ જળવાય અને હોલમાં એન્ટ્રી કરનારા તમામના ટેમ્પરેચર તપાસ્યા હતા. ગરબા રમતી વેળાએ માસ્ક ના પહેરવાની ભૂલ થઇ હશે તેવો એકરાર કર્યો હતો. મર્યાદિત લોકોની હાજરી હતી. કાર્યક્રમમાં કોઈ ભૂલ થઇ હોય તો ખરા હૃદયથી માફી પણ માગી હતી.