મોરબી: અનુસૂચિત જાતિના યુવાનને તેનો બાકી પગાર આપવાને બદલે માર મારી મોઢામાં પગરખું આપનાર વિભૂતી પટેલ ઉર્ફે રાણીબાની વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોધાઇ છે. જેમાં સોશિયલ મીડિયામાં તલવારથી કેક કાપી જન્મદિનની ઉજવણી કર્યાનો વીડિયો તેણે પોતના સોસીયલ મીડિયામાં અપલોડ કરેલો હોવાથી તેના વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.
તલવારથી કેક કાપ્યાનો વીડિયો: બનાવની મળતી વિગત મુજબ જેમાં મોરબી સાયબર સેલ ટેક્નિકલ વિભાગના પી.એસ.આઈ. એ.ડી.જાડેજાએ આરોપી વિભુતી ઉર્ફે રાણીબા હીતેન્દ્રભાઇ ઉર્ફે હિતેષભાઇ સીતાપરા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. કે યુવાનનો પગાર મામલે આપવામાં બદલે માર મારવાના કાંડમાં સામેલ તમામ આરોપીઓ ફરાર હોય. જેથી તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે આરોપીઓનું મોનિટરિંગ કરવામાં આવતું હતું. એ સમયે આરોપી વિભૂતિના ઇન્સ્ટાગ્રામ raniba_07 પર ગત તારીખ 3/9/2022 ના રોજ એક વિડીયો અપલોડ થયો હતો.
ફરિયાદના આધારે આરોપી વિભૂતિ વિરુદ્ધ ગુનો દાખલ: વીડિયોમાં વિભુતી પોતાના જન્મ દિવસે ખુલ્લી જાહેર જગ્યામાં બે ટેબલ ઉપર અલગ અલગ ફોટાઓ તથા રાણીબા નામ વાળી ઘણી બધી કેક ગોઠવી તલવાર વડે કેક કાપતા હોય અને લોકોમાં પોતનું ભય ફેલાવો તેવું જોવા મળ્યું હતું. જેથી પોલીસે આ ફરિયાદના આધારે આરોપી વિભૂતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ડીવાયએસપી પી.એ.ઝાલાના જણાવ્યા અનુસાર હાલ પોલીસ આરોપીને પકડવા કાર્યવાહી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વિભૂતિ પટેલ સામે હાલમાં જ અનુસૂચિત સમુદાયના એક યુવકને ઢોર માર્યા હોવાનો ગુનો પણ નોંધાયો છે. યુવક પગારની માંગણી કરતા વિભૂતિ પટેલ અને કેટલાક અન્ય શખ્સોએ યુવકને માર મારતા યુવકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પણ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી રહી છે ત્યારે વધુ એક ગુનો નોંધાતા વિભૂતિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે.'