- ફેરિયાઓએ શાકભાજી માર્કેટ બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો
- મહિલાઓએ ભજન ગાયા, પાલિકાની હાય-હાય બોલાવી
- પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટનો બહારી વિસ્તાર બંધ કરાવ્યો
નવસારીઃ શહેરમાં વધતા કોરોનાના સંક્રમણને રોકવા સક્રિય બનેલી નવસારી-વિજલપોર નગરપાલિકાએ શનિવારે પોલીસ બંદોબસ્ત સાથે શહેરની મુખ્ય શાકભાજી માર્કેટનો બહારી વિસ્તાર બંધ કરાવી દીધો હતો, જેના કારણે વેપારીઓએ ઉગ્ર વિરોધ દર્શાવી પાલિકાની હાય-હાય બોલાવી હતી. આ સાથે જ પાલિકા બેધારી નીતિ છોડે અને અંદરની શાકભાજી માર્કેટને પણ બંધ કરે એવી માગણી કરી હતી.
આ પણ વાંચોઃ જામનગરની ગ્રેઈન માર્કેટમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું
પાલિકા સંપૂર્ણ શાકભાજી માર્કેટ બંધ કરાવે તેવી માગ
શહેરની મુખ્ય શાકભાજી માર્કેટના બહારી વિસ્તારમાં વધુ ભીડ થતી હોવાથી કોરોના સંક્રમણ વધવાની સંભાવના દર્શાવી નવસારી-વિજલપોર નગરપાલિકાએ શનિવારથી માર્કેટનો બહારી વિસ્તાર બંધ કર્યો હતો, પરંતુ અંદરની શાકભાજી માર્કેટ ચાલુ રાખી હતી. પોલીસ બંદોબસ્ત સાથે બહારી માર્કેટ બંધ કરતા માર્કેટના બહાર મોટી સંખ્યામાં બેસતા લારી અને પાથરણાવાળાઓએ પાલિકા સામે આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાઓએ માર્કેટ બહાર બેસીને ભજનો ગાયા હતા. આ સાથે જ આવેશમાં આવી પોતાની હૈયા વરાળ કાઢી પાલિકાની હાય-હાય પણ બોલાવી હતી. જ્યારે પાલિકા માર્કેટમાં અંદરની દુકાનોને પણ બંધ કરાવે એવી માંગણી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ ભાવનગર માર્કેટિંગ યાર્ડ 16 એપ્રિલથી અચોક્કસ મુદ્દત માટે બંધ
ફેરિયાઓએ બપોરે 1 વાગ્યા સુધી બજાર ચાલુ રાખવા કરી આજીજી પણ પાલિકા એકની બે ન થઈ
નવસારી-વિજલપોર નગરપાલિકાના શાસકોએ અગાઉ શાકભાજી માર્કેટમાં બહાર બેસતા ફેરિયાઓ સાથે બેઠક કરી હતી. બહારનો વિસ્તાર બંધ કરવાનો નિર્ણય કર્યો હતો ફેરિયાઓએ હાથ જોડી કરગરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે સવારે 6થી 1 વાગ્યા સુધી માર્કેટ ચાલુ રાખવા આજીજી કરી હતી, પરંતુ પાલિકાએ એમની વાત માન્ય ન રાખી. શેર માર્કેટના બહારના ભાગને 30 એપ્રિલ સુધી બંધ કરી દીધો છે. જોકે, માર્કેટને અંદર ચાલુ રાખી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવવાની વાતો કરી છે.