- યુવાનની મહેનત રંગ લાવી
- આઠ ચોપડી ભણેલા યુવાને ઓક્સિજન માટે જરૂરી વાલ્વ બનાવ્યો
- મિત્રને પડી મુશ્કેલી અન્યને ન પડે તે માટે વાલ્વ બનાવ્યા
મોરબીઃ જિલ્લાના મકનસર ગામના એક યુવાને પોતાની કોઠાસૂઝ કામે લગાડીને આવા 50 જેટલા પ્રેશર કંટ્રોલ વાલ્વનો આવિષ્કાર કર્યો છે. આ યુવાને છેલ્લા સાત દિવસમાં કોઠાસૂઝથી ઓક્સિજન સિલિન્ડર મેઇન્ટેન કરતા પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવી જરૂરિયાતમંદોને આપ્યા છે. મકનસર ગામે આવેલા પ્રેમજીનગર ગામે રહેતા જયેશભાઇ શેખવાએ જણાવ્યું હતું કે, તે દરેક વાહનોના રીપેરીંગનું ગેરેજ ચાલવે છે, તે માત્ર આઠ ધોરણ જ ભણેલો છે. ભલે ઓછું ભણેલો હોય પણ તેનામાં કુદરતી બક્ષિસ જ એવી છે કે, તે વાહનો કે અન્ય કોઇ કામમાં ઉપયોગમાં લેવાતા મશીનો કે સ્પેર પાર્ટ એકવાર બરોબર રીતે જોઈ લે તો તરત જ એના જેવા આબેહૂબ મશીન બનાવી શકે એવી મારી કોઠાસૂઝ ધરાવે છે. કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે તેનો મિત્ર પણ કોરોનાની બીમારીમાં સપડાયો હતો. ત્યારબાદ એમને ઓકિસજનની જરૂર પડી પણ ઓક્સિજનના સિલિન્ડરનું પ્રેશર કંટ્રોલ કરી શકે તેવા વાલ્વની ઘટ હોવાથી મુશ્કેલીમાં મૂકાયા હતા.
આ પણ વાંચોઃ પાટણમાં ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક
જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આપી રહ્યા છે વાલ્વ
કોવિડના કપરા સમયે તેની કોઠાસૂઝ જોઈને તેના મિત્રોએ તેને પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવવાની સલાહ આપી અને એના માટે આર્થિક સહયોગ પૂરો પાડ્યો. પછી તેણે મશીનનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને બજારમાં મળતા મટીરીયલ મંગાવ્યા હતા. આ સાથે જ શરૂ થયું પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવવાનું કાર્ય. આ કાર્યમાં સફળતા પણ મળી છે અને છેલ્લા સાત દિવસમાં આવા 50 જેટલા વાલ્વ બનાવ્યા અને હજુ આ કાર્ય ચાલુ જ છે. એક વાલ્વ બનાવવા માટે 1200 રૂપિયા તો ક્યારેક 700 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તે જરૂરિયાતમંદ દર્દીઓને આ વાલ્વ વિનામૂલ્યે આપે છે. જ્યારે અમુક પાસેથી માત્ર મટીરીયલનો જ ખર્ચો લે છે. આ કામ વ્યવસાય માટે નહીં પણ બીજાને ઉપયોગી થવા માટે કરે છે અને જ્યાં સુધી કોરોનાની આ પરિસ્થિતિ રહેશે ત્યાં સુધી વાલ્વ બનાવવાનું કામ ચાલુ રાખશે અને પોતાનું ગેરેજ બંધ રાખશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓના ઓક્સિજન માટે ધારાસભ્યએ આપ્યું દાન
મિત્રોએ સાથ આપ્યો અને તમામ સાથે મળી બનાવે છે વાલ્વ
આ કામગીરીમાં જયેશભાઈ શિખવાની સાથે તેના મિત્રો અનુપભાઈ પરમાર, સજંયભાઈ શેખવા, રવિભાઈ શેખવા, મહેન્દ્રભાઈ પરમાર અને કલ્પેશભાઈ શેખવા સહિતના મિત્રો જોડાઈને વાલ્વ બનાવી રહ્યા છે.