- મોરબીમાં 20 દિવસ પૂર્વે લોકાપર્ણ કરાયેલો રોડ તૂટ્યો
- 7.6 કરોડના ખર્ચે બનેલો રોડ હાથેથી ઉખડી રહ્યો છે
- 4-5 ગામને આ રોડ જોડે છે
મોરબી: જિલ્લાના નેશનલ હાઈવે (National Highway) થી ગાળા શાપર ગામને જોડતો રોડ સાડા સાત કિલોમીટર લંબાઈનો છે. જે ગત વર્ષે બનવાનું શરુ કર્યું હતું અને 20 દિવસ પૂર્વે જ રોડનું લોકાપર્ણ કરાયું હતું. માત્ર સાત દિવસથી વાહનો પસાર થવાનું શરુ થયું હતુ ત્યાં રોડમાં આઠ-દસ ઠેકાણે ગાબડા પડી ગયા છે અને 7.6 કરોડના ખર્ચે બનેલો રોડ લોકાપર્ણ કર્યાના માત્ર 20 દિવસમાં બિસ્માર બની ગયો છે. જે રોડમાં ડામર હાથેથી જ ઉખડી રહ્યો હોવાનું માજી સરપંચ જણાવી રહ્યા છે. તો ગ્રામજનો જણાવે છે કે, 4-5 ગામોને જોડતા રોડની કેપેસીટી 20 ટનની છે. અહીંથી 60 ટનના વાહનો પસાર થતા હોવાથી રોડ તૂટી ગયો છે. જેથી ગાળા-શાપર સહિતના પાંચ ગામના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનું બાંધકામ સમિતિના ચેરમેને સ્વીકાર્યું
રોડના નબળા કામ અંગે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા જણાવે છે કે, નાયબ મુખ્ય પ્રધાન દ્વારા 10 કરોડના ખર્ચે રોડ મંજુર કરાયો હતો. જે રોડમાં ટેન્ડર મુજબ કામ થયું નથી. રોડનું કામ 9.60 કરોડના ખર્ચે મંજુર થયું હતું. જે રોડ 7.6 કરોડમાં તૈયાર કરાયો છે. રોડ જિલ્લા પંચાયત હસ્તક આવે છે. અગાઉ કોંગ્રેસનું શાસન હતું જેના રાજમાં રોડ મંજુર થયો હતો અને ટેન્ડર સહિતની પ્રક્રિયા થઇ હતી. જે કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનું માલૂમ પડે છે તો રોડ અંગે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે અને અધિકારીઓએ સ્થળની મુલાકાત લેવા પણ જણાવ્યું હતું.