- મોરબી માળિયા વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે
- શંકરસિંહ વાઘેલા મોરબીના પ્રવાસે
- પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવા કરી અપીલ
મોરબી : આગામી 3 નવેમ્બરના રોજ 8 બેઠકો માટે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં મોરબી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જો કે, મોરબીમાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. જેમાં મોરબીના અપક્ષ ઉમેદવાર વસંત પરમારના સમર્થન માટે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા મોરબીના પ્રવાસે આવ્યા હતા.
5 બેઠકમાં અપક્ષ ઉમેદવારોને સમર્થન આપ્યું
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટીએ સૌરાષ્ટ્ર સહિતની 5 બેઠકમાં અપક્ષ ઉમેદવારોને સમર્થન આપ્યું છે. જેમાં મોરબીના અપક્ષ ઉમેદવાર વસંત પરમારના સમર્થન માટે મોરબીની મુલાકાતે આવ્યા હતા. શંકરસિંહે મોરબીના શનાળા ગામે આવેલા શક્તિ માતાજી મંદિરે દર્શન કર્યા હતા.
બન્ને પક્ષ હલકી રાજનીતિ કરી રહ્યા છે
મીડિયા સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી જીતેલા ઉમેદવાર રાજીનામું આપી ભાજપમાં જોડાય છે. તેમા બન્ને પક્ષ હલકી રાજનીતિ જ કરી રહ્યા છે. જે કારણે પ્રજા પરેશાન છે. જેથી પ્રજા શક્તિ પાર્ટીએ 5 અપક્ષ ઉમેદવારોને સમર્થન આપ્યું છે.
પાંચેય ઉમેદવારના વિજયનો વિશ્વાસ
શંકરસિંહ વાઘેલાએ મોરબીના અપક્ષ ઉમેદવાર વસંત પરમારને મત આપી વિજયી બનાવવા માટે અપીલ પણ કરી હતી. 5 ઉમેદવારોને પંચામૃત તરીકે ઓળખાવીને પાંચેય ઉમેદવારના વિજયનો વિશ્વાસ શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો. આ સાથે ગુજરાતમાં નવી રાજનીતિનો ઉદય થશે, તેમ પણ તેમને જણાવ્યું હતું