- મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું
- નિવૃત્ત આર્મીના જવાનોના હસ્તે પ્રતિમાનું અનાવરણ
- ગામના વડીલોએ આર્મી જવાનોનું કર્યું સન્માન
મોરબીઃ ટંકારાના હરબટીયાળી ગામમાં ભારતીય આર્મીના નિવૃત્ત જવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આજે સરદાર પટેલની 145મી જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગામના વડીલોએ આર્મીના જવાનોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ શુભ દિવસ નિમિતે જવાનો તથા સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશની આન, બાન અને શાન સમી ભારતીય આર્મીના નિવૃત્ત જવાનોએ ગામના યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
યુવાનો આર્મીમાં જોડાય તેવું આહ્વાન પણ કરાયું હતું
આર્મીના જવાનોએ જણાવ્યું કે, આવા પ્રસંગે આર્મીને યાદ કરી સાચા અર્થમાં દેશના તમામ જવાનોનું સન્માન થયા બરાબર છે. સાથે વધુમાં વધુ યુવાનો આર્મીમાં જોડાય તેવું આહ્વાન કર્યું હતું. ગામના યુવાનોએ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રતિમા અનાવરણનો મુખ્ય ઉદ્દેશ આવનારી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલના દેશ માટે કરેલા કાર્યો, દેશની એકતા અને અખંડતા, તથા તેમનું સાદગીભર્યું જીવનની પ્રેરણા પૂરી પાડશે.