કચ્છ અને રાજકોટ લોકસભા બેઠકમાં મોરબી જીલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે. તેમજ 4 લોકસભા બેઠક વચ્ચે વહેંચાયેલા મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા 205 શતાયુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા થનગની રહ્યા છે, અને યુવા પેઢીને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
મોરબીમાં શતાયુ નાગરિક જ નહિ પરંતુ શતાયુ દંપતી મંગળવારે મતદાન કરવાની રાહ જોઇ રહ્યા છે. મોરબીના ચૌહાણ કાનજીભાઈ છગનભાઈ (ઉ.વ.108) અને ચૌહાણ વિજયાબેન કાનજીભાઈ (ઉ.વ.103) મતદાન કરશે. જયારે વાંકાનેરના જંજવાડિયા મોતીભાઈ અરજણભાઈ (ઉ.વ.103) અને જંજવાડિયા વજીબેન મોતીભાઈ (ઉ.વ.103) પણ મતદાન કરવા ઉત્સુક જણાઈ રહ્યા છે.
શતાયુ નાગરિકો લોકશાહીને જીવંત રાખવા અને ધબકતી રાખવા માટે લોકશાહીના પર્વને ઉજવતા રહે છે. ત્યારે ચુંટણીપંચ પણ યુવા ફર્સ્ટ ટાઈમ વોટરથી લઈને વડીલો સુધીના સૌ કોઈ મતદાનના મહાપર્વમાં જોડાય તેવી અપીલ મામલતદાર ડી જે જાડેજા દ્વારા કરવામાં આવી છે.
મોરબી જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદારોમાં જાગૃતિ માટે આવકારદાયક પહેલ કરવામાં આવી છે. જેમાં શતાયુ તમામ નાગરિકોને પત્ર લખીને મતદાન કરવા માટે સક્રિય ભાગ લેવા અને ભારતના લોકશાહી પર્વને ધબકતું રાખવા આમંત્રણ પાઠવવીને અનુરોધ કરવામાં આવ્યો છે. આમંત્રણ પત્રમાં મતદાન મથક સહિતની વિગતો પણ સાથે સામેલ કરવામાં આવી છે. જેથી શતાયુ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે.