મોરબીઃ સમગ્ર દેશમાં 23 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત તમામ ફેકટરી અને કંપનીઓ પણ બંધ જાહેર કરવામાં આવી હતી જેથી તેમના કર્મચારીઓમાં ચિંતા ઉભી થઈ હતી પરંતુ સરકારે જાહેર કર્યા મુજબ ઘરે બેસેલા કર્મચારીઓનો પગાર ચાલુ જ રહેશે. ત્યારે ટંકારાના એક ફેકટરી માલિકે તેમના શ્રમિકોનો પગાર ન ચુકવવાથી તેઓએ હોબાળો મચાવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, તંત્ર દ્વારા શરતોને આધીન ફેકટરીઓ શરુ કરવા પરવાનગી આપી હતી. જેથી ટંકારાના હડમતીયા રોડ પર આવેલા પવનસુત પોલીપેક ફેકટરીમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ફેકટરીમાં કામ કરતા ૨૫ શ્રમિકોને પગાર ચૂકવાયો ના હોવાથી હોબાળો કર્યો હતો.આ બનાવની જાણ થતા ટંકારા પોલીસ પર પહોંચી હતી અને સમજાવટ બાદ મામલો શાંત પાડ્યો હતો.
આ બાબતે ફેકટરીના માલિક બીમલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મેં શ્રમિકોને પગાર ચુકવવા ઇન્કાર કર્યો નથી. લોકડાઉન દરમિયાન તેના ભોજન અને રાશનની વ્યવસ્થા કરી હતી. અને હું પગાર ચૂકવવા તૈયાર છું, પરંતુ શ્રમિકો પગાર લઈને વતન ચાલ્યા જાય તેવી શક્યતા છે અને શ્રમિકો ચાલ્યા જવાથી ફેકટરીના કામકાજને અસર થઇ શકે છે.’