- મોરબીમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેક્સિન અપાશે
- 5340 નો ડોઝ મોરબી પહોંચ્યો
- 4200 થી વધુ કર્મચારીઓને રસીકરણ કરાશે
મોરબી : માત્ર ગુજરાત જ નહિ સમગ્ર દેશ વેક્સિનની રાહ જોઈ રહ્યો છે અને આખરે વેક્સિન અભિયાન તા. 16 થી શરુ કરવામાં આવશે. જેને પગલે તૈયારીઓનો ધમધમાટ જોવા મળે છે. તો મોરબી ખાતે 5340 ડોઝનો જથ્થો પહોંચી ચૂક્યો છે. મોરબીના ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા 4200 કર્મચારીઓને વેક્સિન અપાશે.
સાંસદ મોહન કુંડારિયા, બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોએ કર્યું સ્વાગત
સમગ્ર ગુજરાત સહીત દેશભરમાં તા. 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરુ કરવામાં આવનાર છે. જેની તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં આવેલ કોરોના રસીની વહેંચણી કરવામાં આવી રહી છે. જેમાં મોરબી જિલ્લાને 5340 ડોઝનો પ્રથમ જથ્થો ફાળવવામાં આવ્યો છે. જે મોરબી આવી પહોંચ્યો છે. મોરબી આરોગ્ય વિભાગની ટીમના ફાર્માસિસ્ટ અતુલભાઈ પટેલ અને પાઈલોટીંગ ઓફિસર વિનોદભાઈ સોલંકી રાજકોટ પહોંચ્યા હતા અને વેક્સિનનો જથ્થો લઈને મોરબી પહોંચ્યા હતા. જ્યાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
4200 થી વધુ કર્મચારીઓને 16 તારીખથી રસીકરણ કરાશે
જે વેક્સિન અભિયાન અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ કતીરાએ જણાવ્યું હતું કે, પોલીસ એસ્કોર્ટ સાથે કોરોનાનો પ્રથમ 5340 ડોઝનો જથ્થો મોરબી પહોંચ્યો છે. મોરબી જિલ્લાના હેલ્થ કેર વર્કર, આશા અને આંગણવાડી વર્કર 4200 થી વધુ કર્મચારીઓને પ્રથમ તબક્કામાં રસીકરણ કરવામાં આવશે અને 16 જાન્યુઆરીથી રસીકરણ કરવા તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવાનું પણ જણાવ્યું હતું.