મોરબીઃ વાંકાનેરના ગેરકાયદેસર ટોલનાકાના સમાચાર વાયરલ થયા બાદ તંત્ર અને પોલીસ વિભાગે સત્વરે કામગીરી હાથ ધરી છે. જેમાં પોલીસે 5 આરોપીઓના નામજોગ અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
ગેરકાયદેસર ટોલનાકુઃ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વઘાસીયા ટોલનાકું બાયપાસ થઈ જવાય અને ટોલપ્લાઝા કરતા ઓછા નાણાં ઉઘરાવતા ઈસમોએ બામણબોર ટોલવેઝ પ્રા. લિ.ને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. વાંકાનેર તરફથી નવા વઘાસીયા ગામ વચ્ચેથી પસાર થઈ મોરબી તરફ જવા માટેની રેલવે લાઈન આવેલ છે જે રેલવે લાઈન ઉપર બે ફાટકો આવેલ છે. જેમાં એક ફાટક ટોલનાકા પહેલા અને બીજો ફાટક ટોલનાકા પછી આવે છે. જ્યાં આ ગેરકાયેદસર ટોલનાકુ ધમધમતું હતું.
વાંકાનેર ટોલપ્લાઝાની બાજુમાં પૂર્વ દિશાએ અમરશીભાઈ જેરામભાઈ પટેલનું વ્હાઈટ હાઉસ સિરામિક નામથી ટાઈલ્સ બનાવવા માટેનું કારખાનું આવેલ છે. આ કારખાનું આર્થિક મંદીના કારણે આશરે દોઢેક વર્ષથી બંધ થઈ ગયેલ જેમાં દિવાલ તોડી રસ્તો બનાવીને ગેરકાયદેસ રીતે ટોલનાકુ ચલાવવામાં આવતું હતું. આમ આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે કોઈપણ સત્તા કે અધિકાર વિના હાઈવે પરથી પસાર થતા વાહનોને ટોલ પ્લાઝા બાયપાસ કરાવી કોઈપણ જાતની પહોંચ વગર ટોલ ઉઘરાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંચ આરોપીઓઃ પોલીસે નામજોગ ફરિયાદ નોંધી છે તે આરોપીઓમાં અમરશી જેરામ પટેલ, રહે. વ્હાઈટ હાઉસ સિરામિક, વઘાસીયા, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા આ ચારેય આરોપીઓ પણ વઘાસિયાના રહેવાસી છે. પોલીસે ખુદ ફરિયાદી બનીને આ પાંચ ઉપરાંત અજાણ્યા ઈસમો વિરુદ્ધ પણ FIR દાખલ કરેલ છે. આ પ્રથમ આરોપી અમરશી પટેલ એ સીદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલનો પુત્ર છે. તેમજ ધર્મેન્દ્ર સિંહ ઝાલાએ તાલુકાના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપ આગેવાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અમને રજૂઆત મળી કે તાત્કાલિક ટીમ મોકલી તપાસ કરવામાં આવી હતી. જોકે નેશનલ હાઈવે ઓથોરિટી કે ટોલટેક્સ એજન્સીના અધિકારીઓને કોઈ ઈશ્યૂ હોવાથી તેઓ ટીમ સાથે જવા તૈયાર થયા ન હતા. છતાં વહીવટી તંત્રએ જે તે સમયે પગલા લીધા હતા. આ સમયે હાઈવે ઓથોરિટીએ લેખિત ફરિયાદ કરવા પણ ઈનકાર કર્યો હતો... જી. ટી. પંડ્યા(કલેક્ટર, મોરબી)
પાંચ આરોપીઓ વિરુદ્ધ નામજોગ તેમજ તેના મળતિયા એવા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ટોલ સંચાલક FIR માટે આવ્યા નથી. આજે પણ ફરિયાદ કરી નથી જેથી પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે...રાહુલ ત્રિપાઠી(એસપી, મોરબી)