મોરબીઃ વાંકાનેરમાં ચાલતું નકલી ટોલનાકું સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયું હતું. આ ઘટનામાં વાંકાનેર સિટી પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ખુદ પોલીસે ફરિયાદીની ભૂમિકા ભજવી હતી. આ કૌભાંડમાં પોલીસને 2 આરોપી ઝડપી લેવામાં સફળતા મળી છે. જ્યારે મુખ્ય આરોપી સહિત 3 આરોપી હજૂ પોલીસની પહોંચથી દૂર છે.
25 દિવસ બાદ આંશિક સફળતાઃ વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે વ્હાઈટ હાઉસ નામક સિરામિક ફેક્ટરીમાં નકલી ટોલનાકું ચાલતું હતું. આ ટોલનાકાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના બાદ વાંકાનેર સિટી પોલીસે ખુદ ફરિયાદી બનીને 5 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ અને જાણ્યા સખ્શો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ કૌભાંડમાં પોલીસને 25 દિવસ બાદ આંશિક સફળતા મળી છે. જેમાં પોલીસે રવિરાજ સિંહ ઝાલા અને હરવિજય સિંહ ઝાલા નામના 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે હજૂ મુખ્ય આરોપી સહિત 3 આરોપી ફરાર છે. જેમાં અમરશી પટેલ, ધર્મેન્દ્ર સિંહ ઝાલા અને યુવરાજ સિંહ ઝાલા પોલીસની પહોંચથી દૂર છે.
4 આરોપીઓના આગોતરા ફગાવાયાઃ આ નકલી ટોલપ્લાઝા કોભાંડમાં અત્યાર સુધી 4 આરોપીઓ મોરબી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યા છે. જો કે મોરબી કોર્ટે આ ગુનાને સમાજને અસરકર્તા ગુનો ગણીને ચારેય આરોપીઓની આગોતરા જામીન ફગાવી દીધી હતી. આ કેસમાં આજે 25 દિવસ બાદ પોલીસ 2 આરોપીઓની ધરપકડ કરવામાં સફળ રહી છે. પકડાયેલ આરોપી રવિરાજ ઝાલા આર્મીમેન હોવાની માહિતી ઈન્ચાર્જ પીઆઈ વી. પી. ગોલે પૂરી પાડી છે. જો કે બીજું કશું કહેવા કે મીડિયામાં ઈન્ટરવ્યૂ આપવા પોલીસ તૈયાર નથી.