- રેમડેસીવીર ઇન્જેક્શન અછત હોવાથી ઇન્જેક્શનનું ડુપ્લિકેશન તેમજ બ્લેક માર્કેટિંગથી વેચાણ
- મોરબી LCBએ અમદાવાદ અને સુરત LCBની મદદથી 6ની કરી ધરપકડ
- 2.73 લાખથી વધુના મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
મોરબી : રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શન અછતને પગલે અમુક ઈસમો ઇન્જેક્શનનું ડુપ્લિકેશન તેમજ બ્લેક માર્કેટિંગ કરી વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. જેના પગલે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના સંદીપસિંહ અને જિલ્લ SP એસ. આર. ઓડેદરાની સૂચનાથી મોરબી LCB PI વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમ તપાસમાં હોય તે દરમિયાન LCB ટીમના સંજય મૈયડ અને જયવંતસિંહ ગોહિલને બાતમી મળી હતી.
રેમડેસીવીર ઇન્જેક્શનની કિંમત રૂપિયા 1,96,800
બાતમીના આધારે મોરબીના શક્તિ ચેમ્બર-2 પાછળ આવેલા ક્રિષ્ના ચેમ્બર-3માં ઓમ એન્ટિક ઝોન નામની ઓફિસમાં રાહુલ લુવાણા તેના સાગરીતો સાથે મળીને ભેળસેળ યુક્ત નકલી ઇન્જેક્શનનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાથી રાહુલ અશ્વિન કોટેચા અને રવિરાજ ઉર્ફે રાજ મનોજ હિરાણીને ઝડપી લઈને 41 નંગ રેમડેસીવીર ઇન્જેક્શનની કિંમત રૂપિયા 1,96,800 અને વેચાણ કરેલ રૂપિયા 2,15,800 સાથે ઝડપી લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
નકલી ઇન્જેક્શન નંગ 1,170 કિંમત રૂપિયા 56,16,000
જેમાં ઇસમોએ અમદાવાદના જુહાપુરામાં રહેતા આશિફ પાસેથી ઇન્જેક્શનનો જથ્થો મેળવ્યો હતો. જેથી ટીમ અમદાવાદ પહોંચી હતી અને મહમદ આશિમ ઉર્ફે આશિફ તથા રમીઝ કાદરીના મકાનેથી નકલી ઇન્જેક્શન નંગ 1,170 કિંમત રૂપિયા 56,16,000 અને વેચાણ કરેલા રૂપિયા 17,37,7000 સાથે બંન્નેને ઝડપ્યા હતા. તેમજ તપાસમાં સૂરતના રહેવાસી મુખ્ય સુત્રધાર કૌશલ વોરાનું નામ ખુલતા ટીમ સુરત તપાસ માટે રવાના કરી હતી.
આ પણ વાંચો : ડીસામાંથી રેમડેસીવીર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા
કૌશલ વોરા નામનો શખ્શ ડુપ્લિકેટ ઇન્જેક્શન બનાવવાનું કાર્ય કરતો
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ભાડે રાખી કૌશલ વોરા નામનો શખ્શ ડુપ્લિકેટ ઇન્જેક્શન બનાવવાનું કામ કરતો હોવાથી સૂરત ક્રાઈમ બ્રાંચ ટીમની મદદથી ફાર્મ હાઉસ ખાતે રેડ કરી કૌશલ મહેન્દ્ર વોરા અને તેનો ભાગીદાર પુનીત ગુણવંતલાલ શાહને ઝડપી લીધા હતા. તથા નંગ ઇન્જેક્શન કિંમત રૂપિયા 7,68,000 અને વેચાણના રૂપિયા 74,70,000 તેમજ લેપટોપ નંગ-1 કિંમત રૂપિયા 1.75 લાખ ડિજીટલ કાંટા, સ્ટીકર, મશીન અને ઈનોવા કાર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.
2,000 નંગ ઇન્જેક્શન કિંમત રૂપિયા 96 લાખનો જથ્થો
અમદાવાદ ખાતે તપાસમાં રહેલી ટીમને વોચ દરમિયાન ભાડાની ટાવેરા કારમાં સિરાજખાન ઉર્ફે રાજુ પઠાણ 2,000 નંગ ઇન્જેક્શન કિંમત રૂપિયા 96 લાખનો જથ્થો રાખીને કાર મૂકી નાસી ગયો હતો. આમ, પોલીસે છ આરોપીને ઝડપી લીધા છે. આરોપી સિરાજખાન ઉર્ફે રાજુ મૂસીરખાન પઠાણ અને કલ્પેશકુમાર મોહનભાઈ પ્રજાપતિએ બંન્ને આરોપી ફરાર હોવાથી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
1 રાહુલ અશ્વિન કોટેચા
2 રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હિરાણી
3 મહમદ આશિમ ઉર્ફે મહમદઆશીફ મહમદઅબ્બાસ પટણી
4 રમીઝ સૈયદહુશેન કાદરી
5 કૌશલ મહેન્દ્રભાઈ વોરા
6 પુનીતભાઈ ગુણવંતલાલ શાહ
ગ્લુકોઝ અને મીઠું ક્રશ કરી નાખતા હોવાનું કબૂલ્યું
આરોપીઓએ પ્રાથમિક તપાસમાં કબૂલ્યું હતું કે, આરોપીઓ બનાવટી ઇન્જેક્શનમાં ગ્લુકોઝ અને મીઠું ક્રશ કરીને નાખતા હતા. નકલી ઇન્જેક્શનનું વેચાણ માત્ર મોરબી જ નહિ રાજ્યવ્યાપી કરવામાં આવતું હતું.
કરોડોનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
1 ભેળસેળયૂક્ત નકલી ઇન્જેક્શન નંગ ૩૩૭૧ કિંમત રૂપિયા 1,61,80,800
2 ઇન્જેક્શન વેચાણ રૂપિયા 90,27,500
3 મોબાઈલ નંગ 9 કિંમત રૂપિયા 1,50,000
4 ખાલી શીશીઓ નંગ 63,138 કિંમત રૂપિયા 7,57,656
5 શીશીના બુચ નંગ 63,138 કિંમત રૂપિયા 1,89,414
6 એપલ કંપનીનું લેપટોપ નંગ 1 કિંમત રૂપિયા 1,75,000
7 ગ્લુકોઝ પાવડર બેગ નંગ 40 કિંમત રૂપિયા 8,000
8 રેમડેસીવીર ઇન્જેક્શન લખેલ સ્ટીકર પાનાં નંગ ૨૬૨ કિંમત રૂપિયા 78,600
9 વજન કાંટા નંગ 04 કિંમત રૂપિયા 3600
10 ઈનોવા કાર કિંમત રૂપિયા 8 લાખ મળીને કુલ રૂપિયા 2,73,70,570ની કિમતનો મુદામાલ જપ્ત કરાયો છે
કામગીરી કરનાર મોરબી પોલીસની ટીમ
આ કામગીરીમાં LCB PI વી.બી. જાડેજા, વાંકાનેર તાલુકા PSI આર.પી. જાડેજા, LCB ટીમના રજનીકાંત કૈલા, સંજય પટેલ, સંજય મૈયડ, દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, મયુરસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, ચંદ્રકાંત વામજા, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, નિરવ મકવાણા, નંદલાલ વરમોરા, ભરત મિયાત્રા, બ્રિજેશ કાસુન્દ્રા, વિક્રમ ફૂગસીયા અને અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલી હતી.
આ પણ વાંચો : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ
મોરબી LCB ટીમને અમદાવાદ અને સુરત પોલીસ ટીમોની મદદ મળી
રાજ્યવ્યાપી કૌભાંડમાં આરોપીને ઝડપી લેવા માટે મોરબી LCB ટીમને અમદાવાદ અને સુરત પોલીસ ટીમોની પણ મદદ મળી હતી. જેમાં SP ડી.પી. ચૂડાસમા, PI જયેશ ચાવડા, PSI એ.પી. જેબલિયા ક્રાઈમ અમદાવાદ શહેર તેમજ સુરત ક્રાઈમ બ્રાંચ ટીમના SP આર.આર. સરવૈયા, PSI આર.જે. ચૌધરી તેમજ સુરત અને અમદાવાદ પોલીસની ટીમોએ મદદ કરી હતી.
રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઊંચા ભાવે નકલી ઇન્જેક્શન વેચતા
મોરબીનો રાહુલ કોટેચા અને સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ એવો સુરતનો કૌશલ વોરાએ બંન્ને ઈસમો વર્ષો પૂર્વેથી ટીવી વેચાણના વ્યવસાયને પગલે સંપર્કમાં આવ્યા હતા. અત્યારે રાજ્યમાં ઇન્જેક્શન અછતનો લાભ ઉઠાવી રાતોરાત માલ કમાઈ લેવાની લાલચમાં પ્લાન બનાવ્યો હતો. કૌશલ વોરા નકલી ઇન્જેક્શન બનાવતો જે તેના સાગરીતો રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઊંચા ભાવે વેચતા હતા.