મોરબી: નજરબાગ રેલવે સ્ટેશન નજીક રફાળેશ્વર રોડ પાસેથી અંદાજે ૨ થી ૪ વર્ષની ઉમરના બાળકનો અડધો કપાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ટીમ દોડતી થઈ ગઈ છે. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી આપ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ મોરબીના રફાળેશ્વર રોડ પર નજરબાગ રેલવે સ્ટેશનની નજીક બેથી ચાર વર્ષના બાળકનો કેડથી નીચેનો ભાગનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પીએસઆઈ જે. એલ. ઝાલા અને હિતેશ મકવાણાની ટીમે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી જોકે મૃતકની ઓળખ થઇ શકી નથી. તેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ વાલીવારસની શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે. હાલ પૂરતું મૃત્યુનું કારણ પણ સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી આપ્યો છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં કોઈનું બાળક ગુમ થયું હોય તેની પણ તપાસ કરી રહી છે. એક બાળકનો અડધો કપાયેલ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બાળકના અડધા કપાયેલા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યો છે. તેમજ આસપાસના વિસ્તારોમાં પણ કોઈનું બાળક ગુમ થયું હોય તેની તપાસ પોલીસ કરી રહી છે. બાળકની હત્યા કે બીજા કોઈ સંજોગોમાં મૃત્યુ થયું હોય તેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે... જે. એલ. ઝાલા(પીએસઆઈ, સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, મોરબી)