મોરબી : સરકારી કામકાજમાં અનેકાનેક દસ્તાવેજો બનાવવાના હોય છે. ત્યારે નાગરિકોનું કામ કરવા નીમાઇ પગાર ખાતાં સરકારી કર્મી ફરજ નીભાવવાના બદલામાં નાણાંની ઉઘરાણી કરતાં જોવા મળે છે. ભ્રષ્ટાચારના આ જાળાંમાં નાના અધિકારીઓથી લઇ મોટા મોટા ઓફિસરો પકડાઇ ચૂક્યાં છે. એવો વધુ એક સરકારી કર્મી લાંચ કેસમાં મોરબીમાં પકડાયો છે.
રૂપિયા 4000ની લાંચની માગ : મોરબી નગરપાલિકા કચેરીમાં આજે એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં લગ્ન નોંધણી શાખામાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક દ્વારા રૂપિયા 4000ની લાંચની માગ કરવામાં આવી હતી. જેથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લઈને એસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
લગ્ન સર્ટિફિકેટ માટે માગી હતી લાંચ : એસીબીદ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીએ પ્રેમ લગ્ન કરેલા હતાં અને લગ્ન નોંધણી કરાવવા માટે મોરબી નગરપાલિકામાં અરજી કરી હતી. ત્યારે આ મેરેજ સર્ટિફિકેટ આપવા માટે લગ્ન નોંધણી શાખાના જુનિયર ક્લાર્ક મહેન્દ્રભાઈ મોહનભાઈ ખાખી દ્વારા 4000ની લાંચની રકમ માંગવામાં આવી હતી. જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હતાં. જેથી સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.
છટકું ગોઠવ્યું : લાંચ રુશ્વત શાખામાં ફરિયાદના પગલે સુરેન્દ્રનગર એસીબી ટીમે મોરબી નગરપાલિકા કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી નગરપાલિકાનો જુનિયર ક્લાર્ક વર્ગ 3 મહેન્દ્રભાઈ મોહનભાઈ ખાખી (ઉ.વ.57) વાળા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચની રકમ લેતાં જ રંગેહાથ ઝડપાયા હતાં.
એસીબી ટીમે ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી લીધો : મેરેજ સર્ટિફિકેટ માટે 4000 રુપિયાની લાંચ માંગવામાં આવી હતી જે રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લઈને રૂ 4000 રીકવર પણ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર એસીબી પીઆઈ એમ. ડી. પટેલ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. રાજકોટ એસીબીના મદદનીશ નિયામક વી. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવી લાંચિયા કર્મચારીને ઝડપી લેવામાં સફળતા મળી છે.