મોરબી : મોરબીના ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા વૃદ્ધના ઘરમાં ઘુસી અગાઉના ઝઘડાનો ખાર રાખી માર મારવામાં આવ્યો હતો. જેમાં ઘરે સીસીટીવી કેમેરા લગાડ્યાનો ખાર રાખીને નવ ઇસમોએ માર મારી કરી વૃદ્ધ દંપતિ સહિત ચારને ઈજા પહોંચાડી ઘરમાં ટીવી અને દરવાજા તેમજ વાહનોમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત રાહુલ નામના સગીરનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો છે.
મારામારી બાદ તમામ નવ આરોપીઓને ઝડપી લઈને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તો આગળની હત્યા કલમ ઉમેરવાથી વધુ તપાસ એ ડિવિઝન પીઆઈ એચ. એ. જાડેજા ચલાવી રહ્યા છે. અન્ય કોઈ શખ્સ સામેલ છે કે નહી તેની પણ પોલીસ તપાસ ચલાવવામાં આવી રહી છે..પીએસઆઈ સોંદરવા (મોરબી પોલીસ )
ઘર પર હુમલો કરવામાં આવ્યો : ઘટનાની વિગત જોઇએ તો મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકી નામના વૃદ્ધે આરોપીઓ મહિપત ઉર્ફે ભૂરો રવજી વાઘેલા, પ્રેમજી છગન વાઘેલા, અશ્વિન રવજી વાઘેલા, પંકજ પ્રેમજી વાઘેલા, નીતિન ઉર્ફે લાલો ધનજી સોલંકી, મનોજ ધનજી સોલંકી, ગોવિંદ મનસુખ વાઘેલા, મયુર કાંતિ વાઘેલા અને માનવ બચું સોલંકી રહે બધા શકત શનાળા, મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવેલું કે ગત 17 તારીખે આરોપીઓએ અગાઉના ઝધડાનો ખાર રાખી અને ઘરમાં સીસીટીવી લગાવ્યા એના ખારમાં કાવતરું રચીને ધોકા, લોખંડ પાઈપ જેવા હથિયાર સાથે ફરિયાદીના ઘરમાં ઘુસ્યાં હતાં અને મારામારી કરી હતી.
ચારને ઈજા થઇ હતી : દરમિયાન પથ્થરના ઘા કરી ફરિયાદી વૃદ્ધ, તેના પત્ની દેવુબેન અને પૌત્ર નીતિન અને રાહુલને લોખંડની પાઈપ ધોકા અને લાકડીથી માર મારી ઈજા કરી હતી. ઘરમાં ઘુસી મારામારી કરતા બનાવમાં ફરિયાદી બાબુભાઈ સોલંકી, તેના પત્ની દેવુબેન બાબુભાઈ સોલંકી તેમજ પૌત્ર નીતિન સોલંકી અને રાહુલ સોલંકીને ઈજા કરી ઘરમાં રહેલા ટીવી અને દરવાજા તેમજ વાહનોમાં તોડફોડ કરી 30000 રુપિયા જેટલું નુકશાન કર્યું હતું.
302ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો : આ મામલામાં મોરબી એ ડિવિઝન પોલીસે નવ શખ્સો સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઈજાગ્રસ્ત રાહુલ સોલંકીને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રાહુલનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. રાહુલના મૃત્યુને પગલે પરિવારમાં શોક ફેલાયો છે. તો રાહુલના મૃત્યુને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ પણ દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ કેસમાં વધુ 302ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.