મોરબી: પૂર્વી લદ્દાખમાં ભારતીય સેના અને ચીની સેનાના વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ત્યારથી જ ભારતમાં ચાઈનીઝ વસ્તુના બહિષ્કારની લાગણી જોવા મળી છે. દેશમાં બાયકોટ ચાઈનાની ઝુંબેશ ચાલી રહી છે. ભારતમાં મોસ્કીટો રેકેટ ચીનથી આયાત કરવામાં આવતા હતા. જોકે હવે મોરબીની એક જાણીતી કંપની મોસ્કીટો રેકેટ બનાવવાની શરૂઆત કરી છે.
બોયકોટ ચાઈનાના ભાગરૂપે મોરબીની જાણીતી કંપનીએ મોસ્કીટો રેકેટમાં ખાસ ઓફર રજૂ કરી છે. જે સ્કીમ અંતર્ગત તમારી પાસે રહેલું જૂનું ચાલુ કે બંધ મોસ્કીટો રેકેટ લઈ આવો અને ઓરેવાના બ્રાન્ડેડ વોરંટીવાળા મોસ્કીટો રેકેટ પર 50 રૂપિયાની છૂટ મેળવો જેવી સ્કીમ રજૂ કરી છે.
આ અંગે મોરબીના અજંતા ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડાયરેકટર જયસુખ પટેલે જણાવ્યું હતું કે, મોસ્કીટો રેકેટની દર વર્ષે ભારતમાં દોઢ કરોડ નંગ જેટલી આયાત કરવામાં આવતી હતી. આ રેકેટના એક પણ મેન્યુફેકચર્સ ભારતમાં ન હોવાથી તમામ વેપારીઓએ ચીન પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે હવે દેશમાં જ આ રોકેટનું નિર્માણ થવાથી મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં વધુ એક સાર્થક પગલું ભરાયું છે.