- DAPમાં 700 રૂપિયા જેટલો ભાવ વધારો થતા ખેડૂતો બેહાલ
- હાલ માર્કેટીંગ યાર્ડ બંધ હોવાથી જણસનું વેચાણ થઇ શકતું નથી
- ખેડૂતો હાલ આર્થિક મુશ્કેલાઓ અનુભવી રહ્યા છે
મોરબી: કોરોનાની મહામારીને કારણે સમગ્ર રાજ્યમાં માર્કેટીંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યા છે. આથી, રાજ્યના ખેડૂતો પણ મહામારીની માર વચ્ચે આર્થિક માર પણ સહન કરી રહ્યા છે. ત્યારે, વધુમાં ખાતરમાં ભાવ વધારો નોંધાતા મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયાએ વડાપ્રઘાનને પત્ર લખીને ખાતરના ભાવમાં ઘટાડો કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: મોરબીમાં કોરોનાની ગતિ ધીમી પડી, હોસ્પિટલોમાં બેડ ખાલી થયા
1200 રૂપિયામાં મળતી ખાતરની થેલીના 1900 થયા
મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયાએ વડાપ્રઘાનને પત્ર લખીને જણાવ્યું છે કે, હાલમાં રાસાયણિક ખાતરો જેવા કે DAP, NPK, ASPમાં જંગી ભાવવધારો જોવા મળી રહ્યો છે. ત્યારે, DAPમાં થેલીએ રૂપિયા 700 જેવો ભાવ વધારો નોંધાયો છે. જે થેલી 1200 રૂપિયામાં મળતી હતી તેના ભાવ હવે 1900 થઈ ગયા છે. એક માસ બાદ વરસાદની સિઝન આવી રહી છે અને ખેડૂતોને ખાતર જરૂરી બનશે. આ ઉપરાંત, ખાતરના ભાવ વધારાથી ખેડૂતો પાયમાલ થશે. કોરોના મહામારીને કારણે યાર્ડ બંધ હોવાથી રવિપાકની સિઝનના ચણા, ઘઉં જેવા પાકો સહિતના પોતાના માલનું ખેડૂતો વેચાણ કરી શક્યા નથી. આથી, આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે, ખાતરમાં ભાવ વધારો આવતા ખેડૂતોને બેવડો માર પડશે. જેથી, ખાતરમાં થયેલા ભાવ વધારો પરત ખેચવા માંગ કરી છે.
આ પણ વાંચો: મોરબીમાં સી.એ એસોસિએશને સદભાવના હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરી