મોરબી: ટંકારામાં 2017માં મંજૂરી વિના જાહેરસભા યોજવા બદલ કોંગ્રેસના બે ધારાસભ્ય, કોંગી નેતાઓ અને અન્ય કાર્યકરો સહિતના 34 સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધાયો હતો. જેમાં બે વ્યક્તિના નિધન થયા હોવાથી તેમજ બે વ્યકિતઓએ દંડ ભરી દેતા કેસમાંથી છુટકારો થવા પામ્યો છે. જોકે, બાકીના 30 આરોપી જેમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, મહેશ રાજકોટિયા તેમજ કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા અને લલિત વસોયા, વરુણ પટેલ, રેશમા પટેલ, ગીતાબેન ચીખલીયા, સહિતના 30 લોકોને આજે કોર્ટમાં હાજર રહેવાનું છે.
સોમવારથી કેસ રોજેરોજ ચાલે તેવી શક્યતાઓ પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ આરોપીઓને કોર્ટ મુદતે હાજર રહેવાના સમન્સ બાદ પણ આરોપી હાજર રહ્યા ન હતા. જેથી વોરંટ ઇસ્યુ કરાયું હતું. બાદમાં નેતાઓ હાજર થયા હતા. તો હવે કેસ રોજેરોજ ચાલે તેવી માહિતી સુત્રો આપી રહ્યા છે, ત્યારે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.