મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને રેતીની ચોરી મામલે થયેલી વિવિધ રજૂઆતો બાદ ખનીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરી ખનીજ ચોરી ડામવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ નવલખી બંદરમાંથી નીકળતાં ઓવરલોડ વાહનો, કોલસો કે મીઠુ ભરેલા ડમ્પરોમાં તાલપત્રી બાંધેલી ન હોય તેવા વાહનો પર કડક કાર્યવાહી કરવા પણ પોલીસ વિભાગને સુચના અપાઇ હતી.
આ મુદ્દે પોલીસ, આરટીઓ અને પોર્ટ પ્રસાશન દ્વારા સંયુક્ત રીતે ડ્રાઇવ યોજવા પણ નક્કી કરવામાં આવ્યું હતું. જે ક્રશર પ્લાન્ટ પ્રદુષણના નિયમોનું ઉલ્લંઘન કરતાં હોય તેમના વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા પણ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
ટંકારા તાલુકામાં પવનચક્કીઓ નાંખવા મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા અંગે પણ રજૂઆતો કરાઇ હતી. માળીયા તાલુકા સેવા સદનનું નવુ બિલ્ડીંગ બનાવવા તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર માટે જમીન ફાળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.