મોરબીઃ જિલ્લાની શાન સમાન ઝૂલતા પુલ 30 ઓક્ટોબર 2022ના દિવસે તૂટી પડ્યો હતો. ત્યારે હવે આ દુર્ઘટનાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે. આ મામલે ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલની પણ ધરપકડ થઈ ચૂકી છે. જોકે, રિનોવેશન પછી નવા વર્ષે આ બ્રિજ લોકો માટે ખૂલ્લો મુકાયો હતો. ત્યારબાદ માત્ર 6 જ દિવસમાં આ બ્રિજ તૂટી પડતાં 130થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
9 સામે ગુનો નોંધાયો હતોઃ સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા રાત્રિના રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપી હતી. તેમ જ પૂલ તૂટી પડતા નીચે નદી હોવાથી પાણીમાં અનેક લોકો પડ્યા હતા, જેથી 5 દિવસ સુધી રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચલાવી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આરોપીઓની થઈ હતી ધરપકડઃ આ બ્રિજ તૂટી પડતા તે રાત્રિના જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દિપક નવીનચંદ્ર પારેખ (ઉ.વ.44) રહે. મોરબી (મેનેજર). દિનેશ મહાસુખરાય દવે (ઉ.વ.41) રહે. મોરબી (મેનેજર), મનસુખ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.59) રહે. મોરબી (ટીકીટ કલેક્શન) માદેવ લાખાભાઈ સોલંકી (ઉ.વ.36) રહે. મોરબી (ટિકીટ કલેક્શન), પ્રકાશ લાલજીભાઈ પરમાર (ઉ.વ.63). રહે ધ્રાંગધ્રા (બ્રીજ રિપેરીંગ કોન્ટ્રાકટર), દેવાંગ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.31) રહે. ધ્રાંગધ્રા (બ્રીજ રિપેરીંગ કોન્ટ્રાકટર), અલ્પેશ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.25) રહે. દાહોદ (સિક્યુરીટી ગાર્ડ), દિલીપ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.33) રહે. દાહોદ (સિક્યોરિટી ગાર્ડ) અને મુકેશ દલ્સિંગભાઈ ચૌહાણ (ઉ.વ.26) રહે. દાહોદ (સિક્યોરિટી ગાર્ડ) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે 31 ઓક્ટોબરે 9 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ચીફ ઓફિસર સસ્પેન્ડઃ આ દુર્ઘટના બાદ અનેક ખુલાસા થયા હતા, જેમાં નગરપાલિકામાં બોર્ડ બોલાવી ઠરાવ કર્યા વિના ઝૂલતો પુલ ઓરેવા ગૃપને સોપી દેવાયો હતો, જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને 4 નવેમ્બર 2022ના દિવસે સસ્પેન્ડ કરવાનો સરકારે આદેશ કર્યો હતો. તો ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલનું નામ એફઆઈઆરમાં દાખલ કરાયું નહતું. જોકે ચાર્જશીટ રજૂ થાય તે પૂર્વે જ 16 જાન્યુઆરીએ તેમણે મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેમાં 1 ફેબ્રુઆરીની મુદત પડી હતી. તે દરમિયાન 27મીએ તપાસ અધિકારીએ મોરબી કોર્ટમાં 1262 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. તેમાં ઝડપાયેલા 9 આરોપી તેમ જ ભાગેડુ આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવ્યું હતું.
જયસુખ પટેલ હાજર ના થયાઃ આના કારણે ભાગેડું જયસુખ પટેલ 31 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થયો હતો, જેથી કોર્ટે તેને જેલહવાલે કરવા આદેશ કર્યો હતો અને બાદમાં તપાસ ચલાવનારા પોલીસ અધિકારીએ કોર્ટમાં અરજી કરી આરોપીનો કબજો મેળવ્યો હતો. તેમ જ 1 ફેબ્રુઆરીએ કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરતા કોર્ટે 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આમાં જયસુખ પટેલે હાજર ન થવા માટેનું કારણ જણાવ્યું હતું કે, આરોપી તરીકે તેનું નામ મોડું દાખલ કરાયું હતું. તેમ જ મૃતકોના પરિવારને કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે કોઈ આક્રોશમાં આવી હુમલો ન કરી બેસે તે માટે પરિવારને મળ્યા ન હોવાનું જણાવ્યું હતું.
કોર્ટમાં સુનવણીઃ 2 ફેબ્રુઆરીએ રોજ અગાઉ ઝડપાયેલા ઓરેવા ગૃપના મેનેજર સહિતના 9 પૈકી 7 આરોપીઓએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં બંને પક્ષની દલીલો કોર્ટે સાંભળી હતી અને 4 ફેબ્રુઆરીની મુદત પડી છે. ત્યારે હવે 4 તારીખે જામીન અરજી અંગે કોર્ટે હુકમ આપી શકે છે.