મોરબી : છેલ્લા બે મહિનાથી મોરબીના રવાપર ગામમાં રાજકોટની પરિણીતા સાથે મૈત્રીકરાર કરીને રહેતા શખ્સનું મહિલાના સાસરીયા પક્ષે અપહરણ કર્યું હતું. મહિલાએ આ અંગે મોરબી પોલીસને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ થયેલા વ્યક્તિને શોધને મુક્ત કરાવ્યો હતો. ઉપરાંત અપહરણકર્તાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના વ્યક્તિનું અપહરણ : બનાવની મળતી વિગત મુજબ આ મામલે મોરબી રવાપર ગામમાં ઉમિયા સોસાયટી રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મહિલા બે માસથી રમેશભાઈ નાગહ સાથે રહે છે. ફરીયાદીના પતિ હરેશભાઈ કરમટા તેમજ તેમના સસરા હામાભાઈ કરમટા, દિયર માત્રા કરમટાએ ફરિયાદીના ઘરે આવી મૈત્રી કરારમાં રહેતા શખ્સ રમેશભાઈ નાગહને ઈકો કારમાં અપહરણ કરી લઈ ગયા હતા.
પોલીસ કાર્યવાહી : મહિલાએ આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મોરબી જિલ્લામાં નાકાબંધી કરી હતી. ઉપરાંત તાત્કાલિક હ્યુમન સોર્સીસ તથા બનાવ સ્થળ નજીક સીસીટીવી તેમજ ટેકનીકલ સેલના આધારે અપહરણ થયેલ ઈસમની શોધખોળ શરૂ કરી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ થયેલા વ્યક્તિને શોધીને મુક્ત કરાવ્યો હતો.
યુવકને મુક્ત કરાવ્યો : સિટી એ ડિવિઝન PI એચ.એ. જાડેજાએ જણાવ્યું હતું કે, આ બનાવને લઈને તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે અપહરણ કરેલ શખ્સને જસદણ તાલુકાના ભડલી ગામની સીમમાં ભુપતભાઈ આલ જસદણ વાળાની વાડીએ રાખ્યો છે. જેથી અલગ અલગ પોલીસની ટીમ બનાવી વાડીએ જઈને અપહરણ કરેલ શખ્સને અપહરણકર્તાઓની ચંગુલમાંથી મુક્ત કરાવ્યો હતો.
અપહરણકર્તાઓની ધરપકડ : PI એચ.એ. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગુનામાં હાલમાં પોલીસે હામાભાઈ કરમટા, ભુપતભાઈ આલ, લાલજીભાઈ ખાંભલા, ભરતભાઈ કરોતરા, શક્તિસિંહ વાળા, સંજયભાઈ મીઠાપરા અને અશોકભાઈ ધરજિયાની ધરપકડ કરી છે. ઉપરાંત આ ગુનામાં હરેશભાઈ કરમટા અને માત્રાભાઈ કરમટાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.