- વાંકાનેરમાં દિવાળીના પર્વ પર તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન
- પરિવાર બહાર ગામ ગયો હોવાથી મકાન હતુ બંધ
- તસ્કરોએ રોકડ અને સોનાચાંદીના દાગીનાની કરી ચોરી
મોરબી: દિવાળી પર્વ નિમિતે પરિવાર સાથે ફરવા જવાનો આનંદ સૌ કોઈ લેતા હોય છે. જોકે વાંકાનેરમાં ગરાસીયા પરિવાર જામનગર ગયો હતો. આથી તેઓનું મકાન બંધ હોવાથી તસ્કરોએ તકનો ફાયદો ઉઠાવ્યો છે. આ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ અને દાગીનાની ચોરી કરી છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિવાળીના પર્વ પર સ્વપ્નલોક સોસાયટીમાં ચોરી
વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટીના રહેવાસી હરપાલસિંહ ગુમાનસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગત 12 અને 13 નવેમ્બર દરમિયાન પરિવાર જામનગર ગયો હતો. જ્યાંથી પરત આવતા તેને માલૂમ પડ્યું કે, તેના બંધ મકાનના મેઈન દરવાજા અને ઉપરના રૂમના દરવાજાનો નકુચો તોડી અજાણ્યા ઇસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો.
1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી
હરપાલસિંહ જાડેજાના મકાનના કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીનામાં સોનાની બુટ્ટી, સોનાની લક્કી અને પેન્ડલ તેમજ રોકડ રકમ સહીત કુલ 1 લાખ 21 હજારથી વધુનો મુદામાલ ચોરી કરી ગયા છે. વાંકાનેર સીટી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.