- મોરબીના ગ્રામ્ય પંથકની સગીરાને ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
- એક શખ્સ સામે દુષ્કર્મ અને બે શખ્સ સામે મદદ કર્યાની ફરિયાદ
- મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબીઃ જિલ્લામાં દુષ્કર્મ જેવા બનાવો સતત વધી રહ્યા છે. મોરબી તાલુકા પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી તો અન્ય બે ઇસમોએ તેની મદદગારી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
એક શખ્સે બાઈકમાં બેસાડી રૂમમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ
મોરબી ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી. આ બનાવ મામલે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી રાહુલ નારણ ચૌહાણ (મૂળ ગીરસોમનાથનો, રહે. મોરબી) તેની સગીર વયની દીકરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેને અવારનવાર તેના રૂમ પર લઈ જતો હતો. 23 ડિસેમ્બરે રાત્રિના સાડા બાર કલાકે તેના ઘરેથી મોટરસાઈકલમાં સગીરાને લઈ જઈને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ સાથે આરોપીને તેના બે મિત્ર જયદીપ સાગર અને રવિ સાગરે મદદ કરી હતી. એટલે આ બન્ને આરોપી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જયારે બે મિત્રો મદદગીરી કર્યાની ફરિયાદ કરી
મોરબી તાલુકા પોલીસે સગીરાના દુષ્કર્મ અંગે ત્રણેય આરોપી સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. દુષ્કર્મના વધુ એક બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.