મોરબી: શહેર અને જિલ્લામાં સવારથી વરસાદ શરું થતા બપોર સુધી એકધારો વરસાદ વરસ્યો હતો. બપોરે નાના વિરામ બાદ ફરી વરસાદ શરું થાયો હતો. જેને પગલે મોરબી શહેરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. મોરબી જિલ્લામાં સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા જોઈએ તો મોરબીમાં 98 મીમી, વાંકાનેરમાં 28 મીમી, હળવદમાં 82 મીમી અને ટંકારામાં 55 મીમી વરસાદ વરસ્યો હતો.
જયારે માળીયામાં 72 મીમી વરસાદ નોંધાયો હતો મોરબીમાં સવારથી વરસેલા વરસાદને પગલે શહેરના હોસ્પિટલ ચોક, નહેરુ ગેઇટ, શનાળા રોડ, રવાપર રોડ, રામચોક અને અયોધ્યાપુરી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા હતા. જયારે પીપળીયા ચાર રસ્તા પાસે દુકાનોમાં પણ પાણી ભરાયા હતા. જેથી વેપારીઓએ વરસાદી પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો જયારે મોરબીના હરીપર કેરાળી ગામે વોકળા પર પાણી ફરી વળ્યું હતું. જેથી ગામમાં જવાનો રસ્તો બંધ થયો હતો વોકળા પરનો પુલ પાણીમાં ગરકાવ થયો હતો. જેથી ગ્રામજનો માટે મોરબી અવરજવરનો રસ્તો બંધ થયો હતો.
મોરબી જિલ્લાના ડેમની સ્થિતિ હળવદના બ્રાહ્મણી ડેમમાં 4166 કયુસેક આવક, જાવક -0, હળવદ બ્રાહ્મણી 2 ડેમ આવક-જાવક 0, મોરબીનો ધોડાધ્રોઈ ડેમ 7914 કયુસેક આવક-જાવક, 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા, મચ્છુ 3 ડેમ 3556 કયુસેક આવક-જાવક, 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, ડેમી 3 ડેમ 4488 કયુસેક આવક, 8725 કયુસેક જાવક, 6 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, મચ્છુ 2 ડેમ 3500 કયુસેક આવક, જાવક 0, ટંકારા બંગાવડી ડેમ 271 કયુસેક આવક-જાવક, 0.1 મીટરે ઓવરફલો, ટંકારા ડેમી 2 ડેમ 4488 કયુસેક આવક-જાવક, ટંકારા ડેમી 1 ડેમ 378 કયુસેક આવક, વાંકાનેર મચ્છુ 1 ડેમ 1720 કયુસેક આવક, હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફલો, 9 ગામોને એલર્ટ કરાયા.
હળવદના સુસ્વાવ નજીક આવેલા બ્રાહ્મણી 2 ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે. જેથી ડેમનો-1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી હેઠવાસમાં આવતા સુસ્વાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા અને અજીતગઢ એમ નવ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.