મોરબીઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12ના કુલ 25 હજાર 868 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. મોરબી જિલ્લામાં ધોરણ 10 માટે કુલ નવ પરીક્ષા કેન્દ્રો છે. જેમાં મોરબી, વાંકાનેર, ટંકારા, જેતપર, સિંધાવદર, હળવદ, ચંદ્રપુર, ચરાડવા અને પીપળીયાના 53 બિલ્ડિંગમાં 15, 598 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 11 બિલ્ડિંગમાં 2274 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ આર્ટસ અને કોમર્સમાં કુલ 7966 વિદ્યાર્થીઓ માટે 27 બિલ્ડિંગમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી સકે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કુમકુમ તીલક અને ગુલાબના ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રમાં સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ પરીક્ષા કેન્દ્રો નજીક પોલીસો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.