મોરબી : માળિયાના લક્ષ્મીવાસ ગામના રહેવાસી મનસુખ છગનભાઈ કાવરે આરોપી હર્ષ દિનેશભાઈ દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, વર્ષ 2023ની સાલમાં તેઓએ કુલ ખેતીની જમીન પૈકી આશરે 16 વીઘા ખેતીની જમીન વેચાણ કરેલ હોય જેની સારી એવી રકમ તેમની પાસે હતી. જે રકમમાંથી દીકરા આશિષ માટે નોકરી ધંધાની વ્યવસ્થા કરવાનું વિચારતા હતા અને મોરબીમાં એક ફ્લેટ ખરીદવાનો વિચાર હોય જેથી ફ્લેટની તપાસ કરતા હતા.
ફરિયાદીની દિકરીને કેન્દ્રમાં રાખીને અંજામ આપ્યો : આ દરમિયાન માર્ચ-એપ્રિલ 2023માં દીકરી અંકિતા રાજકોટથી બસમાં બેસી મોરબી આવતી હોય જેની બાજુમાં એક અજાણ્યો માણસ બેસેલ હતો. જેને દીકરી અંકિતા સાથે વાતચીત કરી હતી અને પોતાનું નામ હર્ષ દિનેશ દવે હોવાનું કહીને તેઓ હાલ મુંબઈ ખાતે એપલ કંપનીમાં નોકરી કરતો હતો પરંતુ માતા પિતાને ગમતું ના હોવાથી નોકરી છોડી મોરબી આવ્યો હોવાનું જણાવ્યું હતું. અને હાલ તે મોરબી જય ટેલીકોમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. જેને દીકરી અંકિતાનો વિશ્વાસ કેળવી બન્નેએ પોત પોતાના મોબાઈલ નંબર આપ્યા હતા.
તપાસ અધિકારી પી.એસ.આઈ પી.આર. સોનારાએ જણાવ્યું હતું કે, આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા આરોપી હર્ષના સાત દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
સસ્તાની લાલચ આપી પૈસા પડાવ્યા : આરોપી હર્ષ દવેએ અંકિતાને કોઈને આઈફોન લેવો હોય તો સાવ સસ્તામાં અપાવી દેવાનું કહ્યું હતું. ફરિયાદીના દિકરા આશિષને લેવો હોવાથી ગૂગલ પે થી રૂપિયા 35,000 જમા કરાવ્યા હતા. જેથી હર્ષે આઈફોન 13 મોકલો હતો, પરંતુ મોબાઈલ ખુબ ગરમ થઇ જતો હતો. જેથી મોબાઈલ પરત મોકલી દઈને કંપનીમાંથી એક્સચેન્જ કરવી આપવાનું કહ્યું હતું. બાદમાં ઘુનડા રોડ પર ફ્લોરા 11માં સસ્તામાં ફ્લેટ અપાવી દેવાના બહાને રૂપિયા 63 લાખનો ફ્લેટ મિત્રતાના નાતે તેઓ રૂપિયા 48 લાખમાં ફ્લેટ આપી દેશે કહેતા ફ્લેટ જોવાનું નક્કી કર્યું હતું. અને આરોપીને કટકે કટકે આર.ટી.જી.એસ અને કેશ ડીપોઝીટ તેમજ ગૂગલ પે અને રોકડ સહીત રૂપિયા 48 લાખ આપ્યા હતા.
તેની સાથે સંકળાયેલા લોકો સાથે ફોન કરાવતો : થોડા દિવસો બાદ અંકિતાના મોબાઈલ પર ફોન આવ્યો જેમાં રીતેશ સાવલીયા બોલતા હોવાનું કહીને આર.બી.આઈ માંથી નોટીસ આવેલ છે કે, 63 લાખનો ફ્લેટ હોવા છતાં 48 લાખ કેમ ટ્રાન્સફર કરેલ છે. તેનો ખુલાસો માંગે છે કહીને વોટ્સએપમાં ઇન્કમટેક્ષ નોટીસનો ફોટો મોકલ્યો હતો અને બાદમાં હર્ષએ આર.બી.આઈ ના સાહેબ સાથે રૂપિયા 6 લાખમાં પતાવટ કરી નાખેલ છે. તમે રૂપિયા મોકલી આપો એટલે કેસ ક્લોઝ થઇ જશે.
RBI ના નામે પણ ખોટો કોલ કરેલ : બાદમાં ફરી ફોન આવ્યો જેમાં આર.બી.આઈ માંથી પટેલ સાહેબ બોલું છું. ફ્લેટ ખરીદવા આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા તેનો ખુલાસો કરવાનો છે. નહિતર કાનૂની કાર્યવાહી કરી તમારી ધરપકડ કરવી પડશે. હર્ષને ફોન કરતા તેને ફોન ઉપાડ્યો નહિ. બાદમાં હર્ષનો ફોન આવ્યો જેમાં ફ્લેટના વ્યવહાર બાબતે આર.બી.આઈ ના સાહેબે બે વોરંટ કાઢી પકડી લીધેલ છે અને છોડી મુકવાના 6 લાખ માંગે છે. જે રૂપિયા મોકલી આપો તમે ચિંતા ન કરતા આ છ લાખ અને અગાઉના છ લાખ એમ 12 લાખ રૂપિયા તેને પરત કરવાની ખાતરી આપી હતી. ગાડી માટે રૂપિયા 3.50 લાખ લીધા હતા.
પોલીસે તપાસ હાથ ધરી : આમ આરોપી હર્ષ દિનેશભાઈ દવેએ ફરિયાદીની દીકરીને વિશ્વાસમાં લઈને ફરિયાદીના દીકરા આશિષને એપલમાં નોકરી અપાવી દેવા, ફ્લેટ અપાવી દેવાના બહાને તેમજ આરબીઆઈ ખુલાસો માંગે છે જેની પતાવટ સહિતના બહાના બનાવી રૂપિયા 78,61,000 મેળવી રકમ વાપરી નાખી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી હર્ષ ની પોલીસે ધરપકડ કરી છે.