મોરબી પાલિકા તંત્ર કેટલું બેદરકાર છે. તેનુ ઉદાહરણ ગઈકાલે જોવા મળ્યું હતું. કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં કોંગ્રેસના ધારાસભ્યના કાર્યાલય નજીક ઉભરાતી ગટરની સફાઈ કરવામાં આવતી નથી તો ઉભરાતી ગટર ઉપરાંત હાલ મોરબી શહેરમાં અનેક સ્થળોએ મસમોટા ખાડા અને ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાનું જોખમ વધ્યું છે. આવો જ એક ખાડો દરબારગઢથી નાની બજાર જતા રોડ પર જોવા મળે છે.
મહિલા સ્વામી નારાયણ મંદિર નજીક આવેલા એપાર્ટમેન્ટ પાસે ભૂગર્ભની સફાઈ માટે પાલિકાની ટીમ આવી હતી અને ભૂગર્ભ સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ ખાડો જેમનો તેમ છોડી દીધો હતો. જેને લઇને અહીંથી પસાર થતા વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ બેદરકારીને સપ્તાહ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ખાડાને લઇને પાલિકામાંથી કોઈ ડોકાયું નથી. જેથી એપાર્ટમેન્ટના રહીશો અને પસાર થતા વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.