મોરબીઃ ઉમા ટાઉનશીપના 2 એપાર્ટમેન્ટના રહીશોને હોમ કવોરેન્ટાઈનમાંથી મુક્તિ મળી છે. બે એપાર્ટમેન્ટના રહીશોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા અને ઘરમાં જ 27 દિવસ સુધી પુરાઈ રહેવાની સ્થિતિનો સામનો કર્યા બાદ તમામને આજે મુક્તિ મળી હતી, ત્યારે રહીશોમાં પણ ખુશી જોવા મળી હતી.
મોરબીના ઉમા ટાઉનશીપમાં આવેલા ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહીશ અશોકભાઈ સીધ્ધ્પરા અન્ય રાજ્યમાં પ્રવાસ કરીને આવ્યા હતા અને તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે દર્દીની રાજકોટ સારવાર શરુ કરીને તંત્ર દ્વારા ઉમા ટાઉનશીપમાં કોરોના પોઝિટિવ દર્દીના નિવાસસ્થાન એવા ગીતાંજલિ એપાર્ટમેન્ટ અને વૈભવ એપાર્ટમેન્ટના કુલ 97 રહીશોને હોમ કોવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.
દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીના બે રિપોર્ટ નેગેટિવ આવતા તેને ગત સપ્તાહે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી અને દર્દીને હોમ કોવોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે. મોરબી જિલ્લો કોરોનામુક્ત બનતા તેમજ અહીના રહીશોનો પણ કોવોરેન્ટાઈન પીરિયડ પૂર્ણ થયા છતાં કોઈ રહીશમાં શંકાસ્પદ લક્ષણોએ દેખા દીધા ન હોવાથી 27 દિવસ બાદ બંને એપાર્ટમેન્ટના 97માંથી 95 રહીશોને હવે મુક્તિ આપવામાં આવી છે. જો કે, કોરોના પોઝિટિવ બાદ નેગેટિવ આવેલા દર્દી અને તેના પત્ની હજુ હોમ કવોરેન્ટાઈન જ રહેશે, જ્યારે બાકીના 95 રહીશોને હાલ મુક્તિ મળી છે અને મોરબી જિલ્લો સત્તાવાર રીતે કોરોના મુક્ત થયો છે. તેમ કહી શકાય.
આજે બે એપાર્ટમેન્ટના 95 રહીશો હોમ કવોરેન્ટાઈનમાંથી મુક્ત થયા સમયે આરોગ્યની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી, ત્યારે સ્થાનિકોએ આરોગ્ય અને વહીવટી તંત્રના અધિકારીઓનો આભાર માન્યો હતો અને મોરબીને કોરોનામુક્ત રાખવામાં યોગદાન આપવા બદલ ફૂલોથી અભિવાદન કર્યું હતું. તો આરોગ્ય અને વહીવટી તંત્રએ પણ રહીશોએ કવોરેન્ટાઈન પીરિયડમાં આપેલા સહયોગને બિરદાવ્યો હતો.