મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા અને મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયાએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના પ્રમુખ તેમજ મહામંત્રીને રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ શાળાઓમાં શિક્ષણ વિભાગના તાસ પધ્ધતીના આયોજન અને અમલીકરણ અનુસાર મધ્યાહન ભોજન બપોરે 01 : 50 વાગ્યાનો છે. આ સમય બાળકોના ભોજન માટે બિલકુલ યોગ્ય નથી. બપોરના 2 સુધી બાળકોને ભૂખ્યા રાખવા તે બાળ અધિકારનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ શાળામાં બાળકો માટે ભોજનનો સમય બપોરે 12 : 30 નો નિર્ધારિત કરેલ છે.
જેથી મધ્યાહન ભોજનનો સમય સુપ્રીમ કોર્ટના હુકમનો પણ અનાદર કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે આદિવાસી વિસ્તારના બાળકો હોય છે.જેના માતાપિતા મજૂરીએ જતા હોવાથી બાળકો માટે શાળાઓમાં મધ્યાહન ભોજન સમય 12:30 વાગ્યાનો રાખવો અનિવાર્ય છે. વળી 13:50 ના ભોજન આપવામાં આવતું હોવાથી રીશેષ માં મોટાભાગના બાળકો ઘરે જતા હોવાથી ભોજનનો લાભ લેતા નથી અને લાભાર્થી બાળકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળે છે. જેથી આ મહત્વપૂર્ણ રજૂઆત અંગે કલેકટર તેમજ ડીપીઈઓ કક્ષાએ પરિણામલક્ષી રજૂઆત કરી શાળાઓમાં બપોરના 12 : 30 મધ્યાહન ભોજનનો સમય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.