મોરબીઃ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં સત્તત વધારો થઇ રહ્યો છે. જિલ્લા કેસની સંખ્યા વધીને 203 થઇ ગઈ છે. મોરબીમાં કોરોના ટેસ્ટીંગ માટે લેબોરેટરીની સુવિધા નથી જેના કારણે કોરોના લેબોરેટરી સુવિધા તેમજ સંલગ્ન હોસ્પિટલ તાત્કાલિક શરુ કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદેએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે, લોકડાઉન બાદ મોરબી શહેર અને જિલ્લામાં બહારથી આવતા લોકો દ્વારા કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના કોરોના દર્દીઓને કોરોના ટેસ્ટ માટે લેબોરેટરી નથી અને સેમ્પલ રાજકોટ, જામનગર કે અમદાવાદ મોકલવા પડે છે. રીપોર્ટ આવતા સમય લાગે છે અને સારવાર માટેનો સમય વેડફાય છે અને સમયસર સારવાર ના મળતા દર્દીનું મૃત્યુ થાય છે.
સરકારી દવાખાનામાં અપૂરતી બેડની સંખ્યાને પગલે લક્ષણો વિનાના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત મોરબી સિવીલમાં સોનોગ્રાફી મશીન નથી તેમજ કાયમી સિવીલ સર્જનની જગ્યા પણ ખાલી છે તે માટે પણ માંગ કરવામાં આવી હતી.