- નાયબ મુખ્યપ્રધાન દ્વારા અનુસુચિત જાતિને અપમાનિત કરે તેવું નિવેદન
- અનુસુચિત જાતિએ કરી જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત
- નાયબ મુખ્યપ્રધાને ટવીટ કરી પોતાના શબ્દો પાછા ખેંચ્યા
મોરબી : ચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યપ્રધાન દ્વારા અનુસુચિત જાતિને અપમાનિત કરે તેવું નિવેદન કરવામાં આવ્યું હતું. જે મામલે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી હતી. જેમાં વિવાદ સર્જાયા બાદ નાયબ મુખ્યપ્રધાને ટવીટ કરી પોતાના શબ્દો પાછા ખેંચ્યા હતા.
અપમાનિત કરતા શબ્દોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મોરબી જિલ્લા એસપીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી-માળિયા ચૂંટણી પ્રચાર દ્વારા ભાજપની જાહેર સભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ મોરબી આવ્યા હતા. જેમાં અનુસુચિત જાતિને અપમાનિત કરતા શબ્દો બોલી જાહેર સભામાં તેઓને અપમાનિત કર્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ જાહેરસભામાં અનુ.જાતિને ઉતારી પાડવા અને સવર્ણોના વોટ ભાજપને મળે તે માટે જાહેરસભામાં ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે માફી માંગી
જે મામલે વિવાદ સર્જાયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ટવીટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબી ખાતેની જાહેરસભામાં પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઈ પટેલ અને ફિલ્મ અભિનેતા તથા ધારાસભ્ય સ્વ. મહેશભાઈ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી ત્રણેય નેતાઓ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી. જે વર્ણન વખતે મારા પ્રવર્ચનમાં જે શબ્દપ્રયોગ કર્યો તેનાથી અનુસુચિત જાતિની લાગણી દુભાઈ છે. જે ધ્યાનમાં આવતા હું તે શબ્દો પાછા ખેંચું છું. કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો.