- રમતા રમતા ત્રણ વર્ષનો બાળક પડી ગયો હતો કેનાલમાં
- ધટનાની જાણ ફાયરની ટીમે કરતા સર્ચ ઓપરેશન શરુ કર્યું
- મોડીરાત્રે બાળકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો
મોરબી : રવાપર ચોકડી નજીક ચોકીદાર તરીકે કામ કરનાર કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો દીકરો રોહિત રમતા રમતા કેનાલમાં પડી ગયો હતો. જે બનાવની જાણ કરવામાં આવતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે, કલાકોની મથામણ કર્યા બાદ પણ મોડી સાંજ સુધી બાળકનો પત્તો લાગ્યો ના હતો.
ઉમિયા સર્કલ પાસેથી મળી આવ્યો મૃતદેહ
કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળક જે જગ્યાએ કેનાલમાં પડ્યું તેની આસપાસના વિસ્તારમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું. બાદમાં કેનાલનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો અને મોડીરાત્રે કેનાલમાં પાણી ઓછું થતા ફાયરની ટીમ દ્વારા ફરી સર્ચ ઓપરેશન કરવામાં આવતા અંતે બાળકનો મૃતદેહ ઉમિયા સર્કલ નજીક કેનાલમાંથી મળી આવ્યો હતો. જેથી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.