મોરબી : જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને લઈને નાણા પ્રધાન કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં કનુ દેસાઈએ જિલ્લા તેમજ તાલુકાના તમામ કંટ્રોલ રૂમના નંબરની સાથે કોમન મોબાઇલ નંબર જારી કરવા સૂચના આપી હતી. તેમજ સાંજ સુધીમાં ફરજિયાત પણે નવલખી પોર્ટ પરના સ્ટાફને શિફ્ટિંગ કરવા જણાવ્યું હતું. નવલખી પોર્ટ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પાર્ટ ઓફિસરને સૂચના આપી હતી. નાગરિકો માટે કંટ્રોલરૂમ નંબરની સાથે પોલીસ કંટ્રોલ રૂમના નંબર પણ અલગથી જારી કરવા કહ્યું હતું.
વાવાઝોડાની પરિસ્થિતિને ગંભીરતાથી લઈ કોઈપણ કામગીરી માટે મંજૂરી નથી કે ટેન્ડર નથી તેવી બાબતો ધ્યાને ન લેવા જણાવી તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ કામગીરી અટકાવી ન જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર તેમજ સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી આપવામાં આવશે. ઉપરાંત બસો અને અન્ય વાહનો રિઝર્વ રાખવા ARTOને સૂચના આપી હતી. મોરબી પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં શું શું પગલાં લેવાયા છે, બચાવ કામગીરી માટેની બોટ તેમજ તમામ સાધનો જનરેટર વગેરે ચાલુ સ્થિતિમાં છે કે કેમ તે ચેક કરવા જણાવી મોકડ્રીલ કરવાનું જણાવ્યું હતું. ફિસરીઝને અનરજીસ્ટર બોટ વેરીફાઇ કરવા, છાપરા વાળા તેમજ કાચા મકાનોમાં રહેતા લોકોને શિફ્ટિંગ કરવા અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા જિલ્લા પુરવઠા અધિકારીને સુચના આપી હતી. - કનુ દેસાઈ (નાણા પ્રધાન)
કોંગ્રેસ દ્વારા તમામ કંટ્રોલ રૂમ કાર્યરત : હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. જેને પગલે હાલ મોરબી વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની કાર્યવાહી ચાલી રહી છે. આવા સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં આવીને લોકોને ઉપયોગી થવા માટે કોંગ્રેસ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે.
જલારામ મંદિરે ભોજનની વ્યવસ્થા : જલારામ મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી છે. મોરબી જલારામ મંદિરના અગ્રણી નિર્મિત કક્કડ દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવેલા લોકો માટે બંને ટાઈમના ભોજનની વ્યવસ્થા માટે જલારામ પ્રાર્થના મંદિર તૈયાર છે. તંત્ર દ્વારા બે કલાક અગાઉ જાણ કરવામાં આવે તેવી વિનંતી કરી છે જેથી અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી શકાય.
વહીવટી તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા : વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઈને વહીવટી તંત્રએ દરેક તાલુકાના અધિકારી તેમજ કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે હેલ્પલાઈનમાં નાગરિકો ફોન કરીને ઈમરજન્સી સેવા મેળવી શકશે. તો તમામ વિભાગના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત મોરબીના માળિયા તાલુકામાં આવેલા નવલખી બંદરે સોમવારે સવારથી 9 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવ્યું હતું. સોમવારે બપોરે 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભય સૂચક 10 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.
18 આશ્રયસ્થાનની વ્યવસ્થા કરાઈ : વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી જિલ્લામાં 18 આશ્રયસ્થાનો નિશ્ચિત કરવામાં આવ્યા છે. જ્યાં 3000 લોકો માટે રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના આચાર્યને બે દિવસ શાળામાં રજા રાખવા જાણ કરવામાં આવી છે. તારીખ 14 અને 15 જુન બે દિવસ વિદ્યાર્થીઓ માટે શાળામાં રજા રાખવાની રહેશે. તેમજ શાળાના આચાર્ય, તમામ શિક્ષકોએ હેડક્વાર્ટર પર ફરજિયાત હાજરી આપવાની રહેશે. વહીવટી તંત્ર સાથે સંકલન કરી કામગીરી બજાવવાની રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ કર્મચારીની રજા મંજુર કરવાની રહેશે નહીં તેમ જણાવ્યું છે.
ઉદ્યોગપતિઓ સાથે બેઠક : કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને વિવિધ એસો સાથે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં મોરબીના પોલીપેક ઈન્ડસ્ટ્રીઝ એસોના આગેવાનોએ તારીખ 13થી 15 એમ ત્રણ દિવસ સુધી સંપૂર્ણ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તો સિરામિક ઉદ્યોગમાં પણ ત્રણ દિવસ ડીસ્પેચ બંધ રાખવામાં આવશે. તે ઉપરાંત સોલ્ટ એસો સહિતના અગ્રણીઓ જરૂરી સુચના આપી હતી અને તમામ તકેદારીના પગલા ભરવા જણાવ્યું હતું.
માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે : મોરબી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડની યાદીમાં જણાવ્યા મુજબ વાવાઝોડું અને વધુ વરસાદની આગાહીને ધ્યાને લઈને માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગમાં માલની આવક બંધ કરવામાં આવી છે. કોઈપણ ખેડૂતોએ માલ લઈને આવવું નહીં અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ જણસની આવક બંધ રહેશે. તેમજ વેપારીઓએ પોતાનો માલ સેડ પરથી ગોડાઉનમાં અથવા સુરક્ષિત જગ્યાએ લઇ લેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તારીખ 13 જુનથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ અને આવક સદંતર બંધ રહેશે. જેની તમામ ખેડૂતોએ નોંધ લેવા જણાવ્યું છે.
જોખમી હોર્ડીંગ્સ ઉતારી લેવામાં આવ્યા : મોરબીમાં વાવાઝોડાને પગલે આજે પવન ફૂંકાવા લાગ્યો હોય, જેથી શહેરમાં જોખમી હોર્ડીંગ્સ ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ભારે પવનને પગલે વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાતી હોય છે. જેથી PGVCLની ટીમો સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવી છે. મોરબી જિલ્લાને NDRF અને SDRF ટીમો ફાળવીને હાલ નવલખી પોર્ટ વિસ્તાર આસપાસ તૈનાત કરવામાં આવી છે, ત્યારે માળિયાના દરિયાકાંઠા વિસ્તારમાં 1372 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
લોકોને સ્થળાંતર કરવાની કામગીરી : ઉલ્લેખનીય છે કે, દરિયાકાંઠા વિસ્તારમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોના સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, ત્યારે માળિયા નાયબ મામલતદાર એચ.જી. મારવણીયા પાસેથી મળતી વિગતો મુજબ માળિયાના જુમાવાડી સહિતના દરિયાકાંઠા વિસ્તારમાંથી 1372 લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ટંકારાના અધિકારીઓની વિવિધ સ્થળોએ મુલાકાત : સંભવિત વાવાઝોડાની અસરને ધ્યાને લઈને ટંકારા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ટીમ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જે અધિકારીઓની ટીમે આજે ટંકારાના અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈને કાચા મકાનો અને ઝૂપડપટ્ટીની માહિતી મેળવી હતી અને નુકશાન થઇ શકે તેવા મકાનમાં રહેતા લોકોને આશ્રયસ્થાને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.