મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયત અને જાંબુડિયા ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટ પડી હોવા છતાં વિકાસના કાર્યો કરવામાં આવતા નથી જેથી ગ્રામજનો વિકાસથી વંચિત રહી જવા પામે છે. જેથી આ મામલે તાલુકા પંચાયતના ઉપપ્રમુખે જિલ્લા કલેકટરને લેખિત પત્ર પાઠવીને ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં ત્રાજપર ગ્રામ પંચાયતના સરપંચ જશુબેન હળવદના ધારાસભ્ય જે ગ્રામ પંચાયતમાં એક કરોડથી વધુની ગ્રાન્ટ હોવા છતાં વિકાસના કાર્યો કરવામાં આવતા નથી.
પરંતુ ગામ લોકો પાસેથી ઉઘરાણા કરી કામ કરવામાં આવતા હોય તેવી વ્યાપક ફરિયાદો ઉઠી હોય જેથી તાલુકા પંચાયત ઉપપ્રમુખ દ્વારા કલેકટરને લેખિત પત્ર પાઠવી તપાસની માગ કરી છે. ઉપરાંત મોરબીના જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વરનો મેલો યોજાતો હોય જેમાં પણ દર વર્ષે ખોટા આંકડા દર્શાવી ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કર્યા છે.
મોરબીની ત્રાજપર તેમજ જાંબુડિયા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરવો, લોકો પાસેથી ઉઘરાણા કરવા અને વિકાસના કાર્યો માટેની ગ્રાન્ટ ના વાપરવી તે અંગે જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટથી વિકાસના કામો થતા નથી જે ફરિયાદ અંગે તાલુકા વિકાસ અધિકારીને સુચના આપી છે. સમગ્ર મામલો જોવા માટે જણાવ્યું છે.
ઉપરાંત ગ્રામ પંચાયત કાર્યો કરતી ના હોય તો તાલુકા પંચાયત કક્ષાએથી એજન્સી નક્કી કરીને કામ કરવાની કાર્યવાહી અંગે પણ તાલુકા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું ગ્રામ્ય પંથકમાં વિકાસકાર્યો અટકે નહિ તે માટે જરૂરી પગલા લેવાશે તેમ જિલ્લા વિકાસ અધિકારી જણાવી રહ્યા છે.
આમ ત્રાજપર ગ્રામ પંચાયત સહિતની બે પંચાયતમાં ગ્રાન્ટ હોવા છતાં પદાધિકારીઓની આડોડાઈને કારણે વિકાસકાર્યો અટકી પડ્યા છે અને ત્રાજપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ હાલ હળવદના ધારાસભ્ય છે. જે અગાઉ સિંચાઈ કોભાંડ મામલે જેલની હવા પણ ખાઈ ચુક્યા છે, આ ગંભીર આક્ષેપો મામલે ધારાસભ્ય પરષોતમ સાબરીયા તેમજ તેમના સરપંચ પત્નીનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો. જોકે ઓફીસ કે ગ્રામ પંચાયત કચેરી અથવા ફોન પર સંપર્ક થઇ શક્યો નથી.