મોરબીઃ જિલ્લા કલેક્ટર જે બી પટેલે લોકોને અપીલ કરી છે કે, હાલમાં મોરબીમાં પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે, આ રોગ સંક્રમણથી થાય છે એટલે કે તેને તેના અથવા આજુ-બાજુની વ્યક્તિ પાસેથી લાગુ પડવાની શક્યતા છે. મોરબીની હાલની પરિસ્થિતિ અત્યારે ચિંતાજનક છે. દર્દીને રાજકાેટ ખાતે રાખવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં તેની તબિયત સુધરે તે માટે દરેક માેરબીવાસી પ્રાર્થના કરે તેમ અનુરોધ કર્યો હતો.
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ઊમા ટાઊનશીપ વિસ્તારમાં આ પોઝિટિવ કેસ સામે આવ્યો હોવાથી હાલ આ વિસ્તારને સંપૂર્ણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારમાંથી અવરજવર બંધ કરવામાં આવી છેે. આ વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં ઘણા અન્ય રાજ્યોના હિન્દી ભાષી શ્રમયોગીઓ પણ રહેતા હોય દરેકને જણાવવાનું કે, આ વિસ્તારમાં પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં જો કોઈ પણ વ્યક્તિ આવેલ હોય અને તેમને વર્તમાનમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાતાં ન હોય છતાં પણ તેઓ તંત્રનો સામેથી સંપર્ક (1077) કરે.
આ રોગના લક્ષણો 14 દિવસની અંદર દેખાતા હોઇ કોઈપણ વ્યક્તિને આ ચેપી રોગ લાગુ પડી શકે છે, તેમ જણાવી કલેકટરે અપીલ કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે. જેથી તેઓ સલામત રહી શકે અને તેમના પરિવારના સભ્યોને પણ સલામત રાખી શકે.