મોરબી પંથકમાં આવેલા સિરામિક એકમો દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવતું હોય છે. જેમાં અગાઉ કોલગેસ પ્રતિબંધ લાગુ કર્યા બાદ થયેલા સર્વેમાં જમીન, હવા અને પાણીનું બેફામ પ્રદુષણ નજરે પડ્યું હતું. તેમજ સિરામિક એકમોની ડસ્ટને પગલે ખેતીને પણ નુકશાન થતું હોય જે મામલે ખેડૂતે જીપીસીબીમાં લેખિત અરજી કરીને પગલા ભરવાની માંગ કરી છે

મોરબીના આંદરણા ગામના દિલીપભાઈ બાબુભાઈ મારવાણીયાએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી મોરબીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે હળવદ રોડ પાસે આવેલ મોન્ટેલો સિરામિકની બાજુમાં 22 વીઘા વાડી આવેલ છે. જેમાં મોન્ટેલો સિરામિકની કેમિકલ ડસ્ટ તથા પાવડર પ્લાસ્ટિકનો કચરો અને પ્રદુષણયુક્ત કચરાથી પાક નિષ્ફળ ગયો છે. આ અંગે ઘણી વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ ધ્યાન આપ્યું નથી. જેથી પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆત કરીને તાત્કાલિક પગલા લેવા અને ફેક્ટરીને લીધે ખેડૂતનો પાક નિષ્ફળ ન જાય તે માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડૂત દ્વારા વાડીમાં જીરૂ અને ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે, બાજુમાં આવેલી ફેક્ટરીને પગલે પાકને નુકસાની પહોંચી છે, અને પાક નિષ્ફળ ગયો છે જેથી ખેડૂત હાલાકી ભોગવી રહ્યો છે.