મોરબી: ટંકારા તાલુકાના બંગાવડી ગામ નજીક રવિવારે એક અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં બાઈક લઈને જતા કાકા અને ભત્રીજાને પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર કાકા અને ભત્રીજાને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ બંનેના મૃત્યું નીપજ્યા હતાં. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો. આ બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારની અડફેટે બાઈક સવાર કાકા-ભત્રીજાનું મોત: જોડિયા તાલુકાના ભાદરા ગામના 30 વર્ષીય સુરેશભાઈ નાગજીભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવાયું છે કે, ગઈ કાલે 5 નવેમ્બરના રોજ ફરિયાદીના કુટુંબી ભાઈ પરષોતમભાઈ પરમાર અને ફરિયાદીના પિતા નાગજીભાઈ બંને બાઈક લઈને કુટુંબી સગાને ત્યાં સગાઈનો પ્રસંગ હોવાથી હાજરી આપવા ભાદરાથી ટંકારા જવા નીકળ્યા હતા, જે દરમિયાન બંગાવડી ગામ નજીક પહોંચતા એક સ્કોર્પીઓ ચાલકે તેમને અડફેટે લીધા હતાં અને અકસ્માત સર્જી નાસી ગયો હતો.
કારચાલક સામે ગુનો નોંધાયો: ફરિયાદીના પિતા નાગજીભાઈ પરમાર અને કુટુંબી ભાઈ પરષોતમભાઈ પરમાર બંનેને આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં મૃત્યું પામેલા બંને લોકોના મૃતદેહને પોલીસે પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે અકસ્માત થયેલ કારમાંથી આર.સી. બૂક મળી આવતા ગાડીના માલિક તરીકે મોરબીના સિરાજ અમીરઅલી પોપટિયા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.હાલ તો ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.