જામનગર અને કચ્છને જોડતો હાઇવે જે મોરબી જિલ્લામાંથી પસાર થાય છે અને આમરણથી પીપળીયા ચાર રસ્તા પર આવેલા ખારચિયા ગામ નજીક નાળા પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જે અંગે સ્થાનિકો જણાવે છે કે, આ પુલ લગભગ 45 વર્ષ જૂનો છે અને ગત્ત વર્ષે અતિવૃષ્ટિમાં નુકસાન થયું હતું. પુલની હાલત છેલ્લા 4-5 વર્ષથી ખરાબ છે અને તે અંગે તંત્રને પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી છેવટે આ પુલ તૂટી પડ્યો હતો.
મોરબી જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પુલ ધરાશાયી થયા બાદ સ્ટેટ હાઇવે જામનગરથી કચ્છ જવાનો મુખ્ય માર્ગ હોય જેથી વાહન વ્યવહાર ચાલુ કરવા માટે હાલ ડાયવર્ઝન માટેની કામગીરી શરૂ છે. આ પુલ જામનગર તંત્ર હસ્તક બન્યો હોવાથી આ બનાવને પગલે મોરબી ઉપરાંત જામનગર આર એન્ડ બી ટીમ દોડી આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક નિયમન માટે મોરબી તાલુકા પોલીસની ટીમ પણ તુરંત પહોંચી હતી. જો કે, આ ઘટનામાં કોઇ દુર્ઘટના સર્જાઇ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.