મોરબીઃ કોરોના લૉકડાઉનને પગલે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરિવહન પ્રતિબંધ છે. છતાં અનેક લોકો મોરબીમાં ઘુસી આવે છે. જિલ્લાની ચેક પોસ્ટ પર પોલીસનો સતત પહેરો હોવા છતાં આવા ઈસમો ઘુસી જવામાં સફળ રહે છે, ત્યારે મોરબીમાં એક દંપતી અને યુવાન ઘુસી આવતા ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મોરબીના ગ્રીન ચોક પાસેની પારેખ શેરીમાં રહેતા જયદીપ પ્રવિણચંદ્ર આડેસરા નામના યુવાન મહારાષ્ટ્રના મુંબઈમાં હતા અને તેઓ કોરોના મહામારી વચ્ચે સરકારી તંત્રને જાણ ન કરીને અને મોરબીમાં પોતાના ઘરે આવી મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગનો ગુનો કર્યો હોવાથી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી સામે જાહેરનામાં ભંગ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
તે ઉપરાંત અન્ય એક દંપતી મહેન્દ્રનગર ગામે આવ્યું હોવાથી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બી ડીવીઝન પીએસઆઈએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે કે, આરોપી વિપુલ પ્રેમજી દેલવાડીયા અને સ્વાતિબેન વિપુલભાઈ દેલવાડીયા કોરોના લૉકડાઉન હોવા છતાં મોરબીના મહેન્દ્રનગર ગામે આવ્યા હોવાથી જાહેરનામાં ભંગ કરી કોરોના વાઇરસ સંક્રમણ વધે તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત બી ડીવીઝન પોલીસે જાહેરનામાંની કલમ 188 તેમજ 269 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.