મોરબીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. વેચાણ માટે નોંધાયેલા 20 પૈકી 7 ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા. જેમાં 2 ખેડૂતની મગફળી ખરીદી કરવામાં આવી છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવેલ ખેડૂતોએ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે તે સવારે 5 વાગ્યાથી આવી ગયા હતા.
પરંતુ સાહેબો 11 વાગ્યે સેમ્પલ લીધા હતા. જોકે અધિકારીઓએ આખું ટ્રેક્ટર ખાલી કરવા જણાવ્યું હતું. અને ખેડૂતોએ સેમ્પલ માટે 8-10 બોરી ખાલી કરી દેવાનું જણાવ્યું હતું પરંતુ અધિકારીઓએ આખું ટ્રેક્ટર ખાલી કરાવ્યા બાદ જ સેમ્પલ લેવાશે તેવું જણાવતા ખેડૂતો પરત ફર્યા હતા. અને 1018 ના ટેકાના ભાવને બદલે ખેડૂતોએ હરાજીમાં મગફળી વેચવાનો વારો આવ્યો હતો અને ભાવ મળ્યો હતો 850 રૂપિયા.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી થઇ સકી ન હતી જે અંગે ખરીદી કેન્દ્રના અધિકારીનો સંપર્ક કરાયો હતો, ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે 2 ખેડૂતોને બોલાવ્યા હતા. જેમાંથી માત્ર 7 આવ્યા હતા. જોકે સેમ્પલ લેવા બાબતે ખેડૂતોએ અમુક કોથળામાંથી સેમ્પલ લઇ લેવાનો આગ્રહ કર્યો હતો પરંતુ ઉપરથી એવી સુચના છે કે આખું ટ્રેક્ટર ખાલી કર્યા બાદ જ સેમ્પલ લેવામાં આવે આમ તેઓ નિયમ મુજબ કાર્યવાહી કરી રહયા હતા. અને ખેડૂતોએ મગફળી વેચાણ કરવા ઇનકાર કરી પરત જતા રહ્યા હતા.
ચાલુ વર્ષે ભારે વરસાદ અને માવઠાએ અગાઉ જ ખેડૂતને પરેશાન કરી મુક્યા છે. તો બાકી રહી સહી કસર હવે સરકારી તંત્ર અને અધિકારીઓ પૂરી કરી રહયા છે. ખેડૂતોને સેમ્પલના નામે પરેશાન કરવામાં આવે છે અને ખરીદી કેન્દ્રમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં સરકારને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. જેથી ખેડૂતોને યેનકેન પ્રકારે પરેશાન કરાય છે. જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.