મોરબી : કોરોનાના કેસોની ગુજરાતમાં સંખ્યા વધી રહી છે, ત્યારે કોરોનાને વધુ ફેલાતો રોકવા સરકાર દ્વારા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. જેથી સરકારની સુચના અને આદેશ મુજબ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએસન દ્વારા આગામી તારીખ 31 માર્ચ સુધી ટ્રકમાં લોડીગ અને અનલોડીંગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ પ્રભાતભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોની સલામતી માટે સરકાર અને તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રની બોર્ડર પણ હાલ ટ્રાન્સપોર્ટ વાહનો માટે સીલ કરી દેવામાં આવી છે. જેથી મોરબી ટ્રાન્સપોર્ટના તમામ 6000થી વધુ ટ્રક બંધ રહેશે.
આ સમગ્ર પરિસ્થિતી અંગે સિરામિક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું કે, હાલ લોડીંગ અને અનલોડિંગ બંધ કરવામાં આવ્યા છે. તો મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા 75 ટકા જેટલા રો મટીરીયલ્સ રાજસ્થાનથી આવે છે. જેથી આગામી દિવસોમાં રો મટીરીયલ્સના અભાવે સિરામિક એકમો બંધ પડશે. ફેક્ટરી પાસે રો મટીરીયલ્સનો સ્ટોક પૂર્ણ થશે, તે મુજબ કારખાના બંધ થતા રહેશે. જો કે, આ બંધ સ્વૈચ્છિક હશે તેમ પણ જણાવ્યું છે. હાલની સ્થિતિને ધ્યાને લેતા સિરામિક એકમો સ્ટાફને માસ્ક અને સેનેટાઈઝર આપવા ઉપરાંત તકેદારીના તમામ પગલાં લઇ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
આમ, મોરબીમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડા થંભી જતા તેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. હાલ તો લોડીંગ જેવા કામકાજ બંધ છે, પરંતુ આગામી દિવસોમાં રો મટીરીયલ્સના અભાવને પગલે ફેકટરીઓ બંધ કરી ઉત્પાદન ઠપ્પ થાય તેવી સંભાવના જણાઈ રહી છે.