મોરબી જીલ્લાની ધૂળકોટ હાઈસ્કૂલ, લુણસર માધ્યમિક શાળા તેમજ બોયઝ હાઈસ્કૂલ ત્રણ શાળાના ધોરણ 10નું પરિણામ સતત ત્રણ વર્ષથી 30 ટકાથી નીચું રહેતું હોય જે મામલાને ગંભીરતાથી લઈને જીલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી દ્વારા ધૂળકોટ શાળાના આચાર્ય અને 2 શિક્ષક, લુણસર શાળાના આચાર્ય અને એક શિક્ષક તેમજ બોયઝ હાઈસ્કૂલના આચાર્યને કચેરીએ બોલાવ્યા હતા જ્યાં તેમની સામે હિયરીંગ કરવામાં આવ્યું હતું.
એજ્યુકેશન ઇન્સ્પેકટર નીલેશ રાણીપા અને તેના સ્ટાફ દ્વારા આચાર્ય અને શિક્ષકો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો તેમજ ત્રણ વર્ષથી શાળાના નબળા પરિણામને પગલે સ્ટાફનું એક વર્ષનો ઇજાફો (ઇન્ક્રીમેન્ટ) રોકવામાં આવશે તેમ DEO બી.એમ.સોલંકીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે અને બોર્ડની પરીક્ષાના અતિશય નબળા પરિણામો આવતા હોય છે, ત્યારે જીલ્લા શિક્ષણાધિકારીની કાર્યવાહીને વાલીઓ આવકારી રહ્યા છે અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે વાલીઓ માંગ કરી રહ્યા છે.